અમરાપરમાં પાણી ઉડવા મામલે બે જૂથ વચ્ચે બઘડાટી
ચાર લોકો ઘવાયા, ઇજાગ્રસ્તોને રાજકોટ રિફર કરાયા: ગામમાં તંગદિલી
સુરેન્દ્રનગર જિલ્લાના અમરાપર ગામે પાણી ઉડવા મામલે એક જ સમાજના બે જૂથો વચ્ચે મારામારીની ઘટના બની હતી. આ ઘટનામાં ચાર લોકોને ઈજા પહોંચી છે. જેથી તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, અમરાપર અને ચિત્રાખળા ગામના લોકો વચ્ચે રસ્તામાં પાણી ઉડવા જેવી સામાન્ય બાબતે વિવાદ થયો હતો, જે ઉગ્ર બનતા મારામારીમાં પરિણમ્યો હતો. આ ઘટનામાં ગાડીઓના કાચ પણ તોડવામાં આવ્યાં હતા.આ મારામારીમાં ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી હતી, જેમને તાત્કાલિક થાન હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમાંથી બે વ્યક્તિઓને વધુ ગંભીર ઈજાઓ થતાં તેમને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે ગામમાં તંગદિલીનું વાતાવરણ છવાયું છે.
આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) અને એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે હાલ તપાસ હાથ ધરી છે. આ અંગે થાનગઢ પોલીસ મથકના પીએસઓ સિદ્ધાર્થભાઈએ જણાવ્યું કે, હાલ આ બાબતે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ ચાલુ છે. તેમજ વધુમાં જણાવ્યું કે, જે ભાઈ ફાયરિંગની ફરિયાદ લઈને આવ્યા હતા, એ ભાઈ જ દારૂૂ પીધેલી હાલતમાં હોવાથી એની વિરુદ્ધ પીધેલાનો કેસ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.