જામજોધપુરમાં મિનિ બસસ્ટેન્ડ પાસે બસને ઓવરટેક કરવાના પ્રશ્ને બે જૂથ વચ્ચે બબાલ
જામનગર જિલ્લાના જામજોધપુરમાં મીની બસ સ્ટેન્ડ પાસે ખાનગી લક્ઝરી બસને ઓવરટેક કરવાના પ્રશ્ને બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી, અને લોખંડના પાઇપ ધોકા વડે સામસામા હુમલા કરાયા હતા. જે મામલે બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર માં ખાનગી લક્ઝરી બસ ને ઓવરટેક કરવાના પ્રશ્ને બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેનો ખાર રાખીને ગઈકાલે જામજોધપુરના મીની બસ સ્ટેન્ડ પાસે બંને જૂથ એકત્ર થઈ ગયા હતા, અને ફરીથી ઝઘડો થયા બાદ સામ સામે લોખંડના ધોકા-પાઇપ જેવા હથિયારો વડે હુમલા કરાયા હતા તેમજ એક ઇકો કારમાં તોડફોડ કરી દેવામાં આવી હતી.
આ બનાવ અંગે સૌ પ્રથમ જામજોધપુરમાં સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા માણસીભાઈ રાયદેભાઈ સંધીયા નામના 55 વર્ષના પ્રૌઢે પોતાના ઉપર લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી પગ ભાંગી નાખવા અંગે અને પોતાની ઇકો કાર નો કાચ તોડી નાખવા અંગે હમીર લખુ મૂંગાણિયા, નાગા લખુ મૂંગાણીયા અને ધવલ નાગા મૂંગાણિયા સામે ફરિયાદ નોંધાવી છે. જયારે ફરિયાદી માણશીભાઈ ને સારવાર માટે જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેઓના પગનું ઓપરેશન કરવામાં આવ્યું છે.
જ્યારે સામા પક્ષે કિશોરભાઈ લખુભાઈ મુંગાણીયા (34) એ પોતાના ઉપર તેમજ પોતાના ભાઈ ઉપર લોખંડના પાઇપ અને લાકડી વડે હુમલો કરી ફેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે રાજાભાઈ માણસીભાઈ સંધીયા, વિશાલ હમીરભાઈ સંધીયા, કરસનભાઈ માણસીભાઈ સંધીયા તેમજ માણસીભાઈ રાયદેભાઈ સંધીયા સામે વળતી ફરિયાદ નોંધાવી છે. જે મામલે જામજોધપુર પોલીસે બંને પક્ષની સામ સામી ફરિયાદ નોંધ વધુ તપાસ હાથ ધરી છે.