બાબરાના ફૂલઝર ગામે લગ્નના ફૂલેકામાં બે જૂથ વચ્ચે ધિંગાણું: એકની લોથ ધળી
ગ્રામ પંચાયતની ચૂંટણીના મનદુ:ખ મામલે થયેલી માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું: બન્ને પક્ષના કુલ આઠ ઘવાયા
મોડી રાત્રે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો: ઘવાયેલાઓને ગોંડલ, બાબરા અને રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાયા
બાબરા તાલુકાના ફુલઝર ગામે સાંજે લગ્નના ફુલેકા દરમિયાન ગ્રામ પંચાયતની ચૂંટણીના જૂના મનદુ:ખ બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરી લેતા બે જૂથો વચ્ચે ગંભીર અથડામણ થઈ હતી. આ જૂથ અથડામણમાં એક આધેડનું કાર કાર નીચે કચડાઈ જવાથી મોત થયું હોવાની પ્રાથમિક માહિતી મળી છે, જ્યારે બંને પક્ષના કુલ આઠ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.બાબરાના ફૂલઝર ગામમાં બાવાજી પરિવારના લગ્નનું ફુલેકું નીકળ્યું હતું.
ફુલેકામાં એક ટ્રેક્ટર ઘોડીને અડી જવાની નજીવી બાબતે બે જૂથના લોકો વચ્ચે, બોલાચાલી થઈ હતી, જેણે ગંભીર જૂથ અથડામણનું સ્વરૂૂપ લીધું હતું. આ સાથે એવું પણ કહેવાય છે કે આ જૂથ અથડામણ પાછળ ગ્રામ પંચાયતની ચૂંટણીના વ્યક્તિગત વેરઝેર પણ કારણભૂત છે.જૂથ અથડામણ દરમિયાન એક જૂથે ક્રેટા ગાડી દોડાવી હોવાનું અને તેના નીચે કચડાઈ જવાથી દેવળિયા ગામના મહેન્દ્રભાઈ ભાણભાઈ વાળા (ઉ.52)ને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ગોંડલ લઈ જવામાં આવ્યા હતા, પણ ત્યાં પહોંતા પહેલા જ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. તેઓ દેવળીયા ગામથી લગ્ન પ્રસંગમાં આવ્યા હોવાનું કહેવાય છે.
આ અથડામણમાં બંને પક્ષના મળીને કુલ 8 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમાંથી પ લોકોને વધુ સારવાર અર્થે ગોંડલ ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 3 ઇજાગ્રસ્તોને બાબરાની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અન્ય એક મનસુખભાઈ ભીખાભાઈ રાદડીયા (ઉ.40)ની હાલત ગંભીર હોવાથી રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણ થતા જ બાબરા પોલીસનો કાફલો તાત્કાલિક ફુલઝર ગામે પહોંચી ગયો હતો. ફૂલઝર ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.બાબરાના ફુલઝર ગામે અથડામણ થતાં અફરા-તફરી મચી હતી અને પોલીસના ધાડા ઉતારી ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા હતા.
મૃતક મહેન્દ્રભાઇ વાળા ત્રણ બહેનના એકના એક ભાઇ અને ખેતીકામ કરતા હતા. તેમના મૃતદેહને રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. જયારે ઘવાયેલાઓમાં હરદીપ દેવકુ વાળા (ઉ.વ.29) અને દેવકુ ભાભલુભાઇ વાળા (ઉ.વ.55)ને પણ રાજકોટની સિવિલમાં ખસેડાયો છે. તેઓ ઉપર જયસુખ અને ખોડા સહીતના શખ્સોએ હુમલો કર્યો હતો. આ મામલે હાલ પોલીસે બન્ને પક્ષે ગુનો નોંધવા તજવીજ શરૂ કરી છે.
