વાંકાનેર પાલિકા ચૂંટણી બાદ વિજય સરઘસમાં ફટાકડા ફોડતા ભાજપના બે જૂથ વચ્ચે ઘર્ષણ
વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત બાદ વિજય સરઘસ દરમિયાન માર્કેટ ચોક વિસ્તારમાં તંગદિલી સર્જાઈ હતી. વોર્ડ નંબર 6માં ભાજપના વિજયી ઉમેદવારોના સરઘસમાં ફટાકડા ફોડવાને લઈને બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું.
આ વોર્ડમાંથી ભાજપના પૂર્વ મહિલા પ્રમુખ જયશ્રીબેન સેજપાલે આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી હતી. તેમના પુત્ર અમિત સેજપાલની માર્કેટ ચોકમાં દુકાન આવેલી છે. વિજય સરઘસમાં સામેલ કેટલાક લોકોએ આ દુકાન પાસે ફટાકડા ફોડ્યા હતા, જેના કારણે બંને જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું. ડીવાયએસપી સમીર સારડાના જણાવ્યા મુજબ, ફટાકડાના તણખા ફ્રુટની દુકાનમાં પડતાં બોલાચાલી થઈ હતી. ઘટનાની જાણ થતાં ડીવાયએસપી અને પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થિતિને કાબૂમાં લીધી હતી. હાલ વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલુ છે. આ ઘટના અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
ઉલ્લેખનીય છે કે વાંકાનેર પાલિકાની 28 બેઠકોમાંથી ભાજપે 21 બેઠકો જીતી છે. જયશ્રીબેન અગાઉ ભાજપમાંથી ચૂંટાયા હતા અને પ્રમુખ બન્યા હતા. પરંતુ વિવાદમાં તેમની બોર્ડને સરકારે સુપરસીડ કરી હતી. આ કારણે તેમને ભાજપની ટિકિટ ન મળતાં તેમણે આપમાંથી ચૂંટણી લડી હતી, જેમાં તેઓ પરાજિત થયા હતા.