ધ્રાંગધ્રાના વાવડી ગામે પાવરગ્રીડ કંપની અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ
ધ્રાંગધ્રા પંથકમાં પાવરગ્રીડ કંપની ફરી વિવાદમાં આવી છે. વાવડી ગામમાં કંપનીના કર્મચારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થવાનો મામલો સામે આવે છે. ખેડૂતોએ સરકારી હુકમ વગર ખાનગી કંપની દ્વારા ખેતરમાં ઘુસી નુકસાન પહોંચાડતા હોવાનો આક્ષેપ કર્યો છે. ધ્રાંગધ્રાના કંકાવટી ગામે પાવરગ્રીડ કંપનીના કર્મચારીની કામગીરી ખેડૂતોએ અટકાવી હતી અને ખાનગી કંપનીના કર્મચારીઓ અને ખેડૂતો વચ્ચે રકઝક પણ થઈ હતી. જે બનાવની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ફરી એકવાર ધ્રાંગધ્રાના વાવડી ગામે પાવરગ્રીડ કંપનીના કર્મચારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું.
વાવડી ગામે પાવરગ્રીડ કંપનીના કર્મચારીઓ વીજ વાયરનું કામ કરવા માટે ખેતરમાં જતા જ 15થી 20 ખેડૂતો એકત્ર થયા હતા અને કંપનીએ ખેડૂતોને પુરૃ વળતર ચુકવ્યું નહોવાનું જણાવ્યું હતું. ખેડૂતોનો રોષ જોઇ કંપનીના કર્મચારીઓએ કામ પડતું મુકવું પડયું હતું. જો કે આ વખતે પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી થતી હોવાથી ખેડૂતો સાથે ઘર્ષણ થાય તે પહેલા જ પોલીસ ખડે પગે રહી હતી. જ્યારે ખેડૂતો દ્વારા સરકારી હુકમ વગર કર્મચારીઓ ગેરકાયદે પોતાના ખેતરોમાં ઘૂસી કામગીરી કરતા હોવાનો આક્ષેપ કર્યોે હતો અને આ મામલે ખાનગી કંપની દ્વારા અન્ય જિલ્લાઓની જેમ ધ્રાંગધ્રા તાલુકામાં પણ ખાનગી કંપની દ્વારા ખેડૂતોને નુકસાની અંગે પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી.