બોટાદમાં પોલીસ-ખેડૂતો વચ્ચે ઘર્ષણ; પોલીસનો લાઠીચાર્જ-ટીયરગેસ છોડાયો
ખેડૂત મહાપંચાયતને મંજૂરી નહીં અપાતા મામલો બિચકયો, પોલીસ ઉપર પથ્થરમારો કરી વાહનોમાં કરી તોડફોડ, 3 પોલીસમેન ઘાયલ
આમ આદમી પાર્ટીની લડત ચાલુ રાખવાની જાહેરાત, 31મીએ અરવિંદ કેજરીવાલ આવશે
બોટાદમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ખેડૂત મહાપંચાયતનો પોલીસે મંજુરી નહીં આપવા છતા ગઇકાલે હડદડ ગામે યોજાયેલ ખેડૂત મહાપંચાયતમા પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થતા પોલીસ ઉપર પથ્થરમારો અને વાહનોમા તોડફોડની ઘટના બની હતી જેના પગલે પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કરી ટીયરગેસના સેલ છોડતા વાતાવરણ ભારે સ્ફોટક બની ગયુ હતુ. આ બઘડાટીમા 3 પોલીસમેન ઘવાયા છે અને પોલીસે 22 લોકોની અટકાયત કરી છે.
આ ઘટનાના પગલે ખેડૂત મહાપંચાયતના આયોજક રાજુ કરપડાની ધરપકડ કરી હતી તો આપના અધ્યક્ષ રાજુ કરપડાની રસ્તામા જ અટકાયત કરી લીધી હતી જયારે રેશ્મા પટેલ સહિતના નેતાઓ મહાપંચાયતમા પહોંચે નહીં તે માટે નજરકેદ કરી લીધા હતા.બીજી તરફ આગામી તા. 31 ઓકટોબરે આપના રાષ્ટ્રીય સંયોજકની હાજરીમા ફરી ખેડૂત મહાપંચાયત બોલાવવાનું એલાન કરવામા આવ્યુ છે.
કડદા પ્રથાનો વિરોધ કરી રહેલા આગેવાન રાજુ કરપડાએ બોટાદના હડદડ ગામ ખાતે ખેડૂતો સાથે એક મહાપંચાયતનું આયોજન કર્યું હતું. જો કે, પોલીસ દ્વારા આ મહાપંચાયતને મંજૂરી આપવામાં આવી ન હતી. જ્યારે પોલીસની ટીમ આ બેઠક અટકાવવા અને પરિસ્થિતિ નિયંત્રિત કરવા માટે હડદડ ગામે પહોંચી, ત્યારે ત્યાં હાજર લોકોના ટોળાએ પોલીસ પર ઉગ્ર પથ્થરમારો શરૂૂ કર્યો હતો.
આ હિંસક વિરોધ દરમિયાન, ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસની ફરજમાં અવરોધ ઊભો કર્યો હતો અને પોલીસની એક કારને પણ ઉથલાવી દીધી હતી. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે અને ટોળાને વિખેરવા માટે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.આ દરમિયાન રવિવારે બોટાદ કિસાન મહાપંચાયતમાં જઈ રહેલા ઈસુદાન ગઢવી સહિતના કાર્યકર્તાઓની બગોદરા ખાતે પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા. બગોદરા ખાતે ઇસુદાન ગઢવીની અટકાયત કરતાં ઉગ્ર બોલાચાલી થઈ હતી.સમગ્ર બનાવને લઈને જઙ એ કહ્યું કે, પમંજૂરી વગર મહાપંચાયતનું આયોજન થયું હતું. લોકો ગેરકાયદે એકઠા થતા પોલીસ પહોંચી હતી. પોલીસ પહોંચતા જ લોકોએ પથ્થરમારો કર્યો હતો.
પોલીસે ટિયર ગેસના સેલ છોડીને સ્થિતિને કાબૂમાં લીધી હતી. કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે. હડદડ ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.ઘર્ષણ પહેલા આમ આદમી પાર્ટીના કિસાન સેલ પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા રાજુ કરપડાએ ખેડૂતોને સંબોધન કરતા કહ્યું હતું કે, આ મહાપંચાયતમાં ગુજરાત ભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ન્યાયની માંગણી સાથે ઉમટી પડ્યા હતા અને આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હતું. પોલીસે રોડ રસ્તાઓ બંધ કરી દીધા, બેરીકેડ મૂકી દીધા પરંતુ પગપાળા ચાલીને હજારો ખેડૂતો પંચાયતમાં પહોંચી ગયા છે.
જ્યારે મેં અહીંયા પગ મૂક્યો ત્યારે 20 લોકો હતા અને અડધી મિનિટની અંદર 2000થી વધારે ખેડૂતો ગલીઓમાંથી ચોકમાં પહોંચી ગયા. રાજુ કરપડાએ ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે બંને માંગણીઓની લેખિતમાં બાંહેધરી નહીં આપવામાં આવે તો અમારા કાર્યક્રમ ચાલુ રહેશે પરંતુ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી પણ આગામી 31 તારીખે બોટાદ ખાતે આવશે. 31 તારીખે આખા ગુજરાતના ખેડૂતોને બોટાદ ખાતે અમે ભેગા કરીશું.