સીગારેટના દમ મારતા નબીરાઓએ સગીરને માર માર્યો, મારામારી અને માફી માંગતો વીડિયો બનાવ્યો
જૂનાગઢની ચોંકાવનારી ઘટના, પાંચ સગીર સહિત સાત સામે ગુનો નોંધાયો
આજનું યુવાધન સોશિયલ મીડિયાના રવાડે ચડીને શિક્ષણ છોડી ‘ડોન’ અને ‘દાદા’ બનવાની લહાઈમાં લાગ્યું હોય તેવા કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે, જુનાગઢ શહેરમાં ફરી એકવાર સિગારેટના દમ મારતા મારતા સગીરને માર મારતો અત્યંત ગંભીર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હાલના યુવાધનની માનસિકતા પર ગંભીર સવાલો ઊભા થયા છે. જૂનાગઢની આલ્ફા ઈન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની મારામારીની ઘટના બાદ સગીરોની મારમારીની વધુ એક ઘટનાઓ ભારે ચકચાર જગાવી છે.
વાઈરલ થયેલા આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, સાતથી આઠ સગીરો એક અન્ય સગીરને બેફામ અને બેરહેમીથી માર મારી રહ્યા છે. માર મારતી વખતે આ સગીરો ગાળો બોલી રહ્યા છે અને ભોગ બનનારને પટ્ટા વડે પણ મારવામાં આવી રહ્યો છે. માર મારનારા સગીરો, ભોગ બનનાર સગીરને ‘હવે તું અમારા રસ્તે આવતો નહીં’ તેવું બોલાવી રહ્યા છે. ભોગ બનનાર સગીર ડરીને બે હાથ જોડીને માર મારતા સગીરો સામે માફી માગતો જોવા મળી રહ્યો છે અને વીડિયોમાં તે કહી રહ્યો છે કે, ‘હવે હું કોઈ વચ્ચે નહીં આવું, આજથી આપણા બધા સંબંધ પૂરા.
આ ઘટનાની ગંભીરતા એટલા માટે વધુ છે કે, થોડા સમય પહેલા જ જુનાગઢ શહેરની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલમાં પણ છ થી સાત વિદ્યાર્થીઓએ હોસ્ટેલના જ એક વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ થયો હતો. તે કિસ્સામાં પણ પોલીસે ફરિયાદ નોંધીને કડક કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને હજુ થોડા દિવસો જ થયા છે, ત્યાં જ સગીરો દ્વારા હિંસકતા આચરવાની આ બીજી ઘટનાએ સૌને વિચારતા કરી મૂક્યા છે.
આ સમગ્ર ગંભીર મામલે સી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. વત્સલ સાવજ સાથે વાતચીત કરવામાં આવી હતી.પી.આઈ. વત્સલ સાવજે જણાવ્યું હતું કે જેવો આ વીડિયો પોલીસના ધ્યાને આવ્યો, કે તરત જ તાત્કાલિક કડક કાર્યવાહી શરૂૂ કરી દેવામાં આવી હતી. આ ગુનાહિત પ્રવૃત્તિમાં જે નબીરાઓ માર મારી રહ્યા છે, તેમાંથી બે યુવકો પુખ્ત વયના (ઉંમર 19 વર્ષ) છે અને અન્ય પાંચ સગીર વયના છે.
સી-ડિવિઝન પોલીસે આ સમગ્ર મામલે માર મારવો,ભૂંડી ગાળો આપવી, જાનથી મારી નાખવાની ધમકી આપવી,ગેરકાયદેસર અટકાયત કરવી,ગેરકાયદેસર મંડળી રચી આ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ માર મારવાની ઘટના જૂની નાની માથાકૂટના કારણે થઈ હતી, જેમાં મંડળી રચીને એક સગીરને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. પોલીસે બે પુખ્ત યુવાનો અને પાંચ સગીરો વિરુદ્ધ ગુનો નોંધીને તમામ આરોપીઓને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.