વેરાવળ-સુત્રાપાડા-તાલાલા પંથકમાં વીજચોરી અંગેે ચેકિંગ, 35.65 લાખનો દંડ
વેરાવળ, સુત્રાપાડા, તાલાલા તાલુકા વિસ્તારના ગામો તથા શહેરી વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગની કામગીરી હાથ ધરાતા બે દિવસમાં 159 વીજ જોડાણોમાં ગેરરીતિ માલૂમ પડતાં રૂૂા.35.65 લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવતાં વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને આ ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવે તેવું વીજતંત્રના સૂત્રોએ જણાવ્યું છે.
ચાલુ સાપ્તાહીકમાં તા.03 તથા તા.04 ના વડી કચેરી પીજીવીસીએલ રાજકોટ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર એસ એચ રાઠોડ ના માર્ગદર્શન તથા સીધી સૂચનાથી વીજ ચેકિંગ ડ્રાઇવ ના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લાની વિભાગીય કચેરી હેઠળના વેરાવળ, સુત્રાપાડા, તાલાલા તાલુકાના પેટા વિભાગીય કચેરી હેઠળ ના વિવિધ વિસ્તારોમાં એસ.આર.પી. તથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ 25 જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી.
વેરાવળ વિભાગીય કાર્યપાલક ઇજનેર જી બી વાઘેલા એ જણાવેલ કે, વેરાવળ, સુત્રાપાડા અને તાલાલા તાલુકાના સુંદરપુરા, નાખાડા, કુકરાસ, બોલાસ, વિરોદર, લાખાપરા, ઘંટીયા, સોનારીયા, મેઘપુર, કાજલી, બીજ, બાદલપરા, આજોઠા, નવાપરા, ડારી, છાત્રોડા, નાવદ્રા, પાંડવા, ઇન્દ્રોઈ, ઈશ્વરીયા, ભેરાલા, મંડોર, સટ્ટા બજાર, મેન, બસ સ્ટેન્ડ, ખડખડ, આરબ ચોક, તુરક ચોરા, બહારકોટ, મોચી બજાર, ઝાલેશ્વર, ગલીયાવાડ, વિરપુર, બોરવાવ, ભોજદે, ગુંદરણ, જામ્બુર, રામપરા, માથાસૂરિયા, કોડીદરા, ગુણવંતપુર, ભેટાલી, આનંદપરા, વિઠ્ઠલપુર, વડલા, સેવાલિયા, રાયડી, પીખોર, જાવંત્રી, જામલપરા, અજમેરી સોસાયટી, બાગે રહેમત, બાગે યુસુફ, મિસ્કિંશા, સંત કૌશર શાળા સહિતના વિસ્તારમાં રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ 532 જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી 159 વીજ જોડાણોમાં જુદા-જુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂૂા.35.65 લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા અને આગામી દિવસોમાં ચેકિંગની આ ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવાશે તેવું વીજતંત્રના સૂત્રોએ જણાવ્યું છે.
