ચાઈનીઝ સાયબર માફિયા ગેંગની તપાસ માટે સેન્ટ્રલ આઈબીની ટીમ રાજકોટમાં
નિવૃત્ત બેંક કર્મચારીની ડિજિટલ એરેસ્ટ કરી 56 લાખ પડાવવાના પ્રકરણમાં પકડાયેલ ભાડૂતી માણસોની ચાર કલાક સુધી પૂછપરછ
ડિજિટલ એરેસ્ટ પ્રકરણમાં દેશમાં પ્રથમ વખત સ્થાનિક પોલીસ બાદ કેન્દ્રીય ગુપ્તચર એજન્સીએ તપાસમાં ઝુકાવ્યું
રાજકોટમાં નિવૃત બેેંક મેનેજરને 15 દિવસ સુધી ડિઝીટલ એરેસ્ટ કરીને 56 લાખ રૂપિયા પડાવવાના મામલે સાયબર ક્રાઈમ ટીમે વિદેશથી ઓપરેટ કરતા સાયબર માફિયા ગેંગના ભાડુતી માણસોને ઝડપી લઈ તેમાથી બે સભ્યોના રિમાન્ડ મેળવી વધુ તપાસ કરી હતી.
આ મામલે કમ્બોડિયા અને ચાઈનીઝ સાયબર માફિયા ગેંગની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આ મામલે તપાસ માટે કેન્દ્રીય ગુપ્તચર એજન્સીની ટીમ રાજકોટ આવી હતી. અને રાજકોટ સાયબર ક્રાઈમના હિરાસતમાં રહેલા ભાડુતી માણસોના બે સભ્યોની ચાર કલાક સુધી પુછપરછ કરીને આ અંગેનો ડેટા અને માહિતી મેળવી આ ટીમ દિલ્હી રવાના થઈ છે. આગામી દિવસોમાં આ મામલે વિદેશ મંત્રાલયની મદદથી ચાઈનીઝ અને કમ્બોડિયન સાયબર માફિયાઓને સકંજામાં લેવા સેન્ટ્રલ આઈબીની ટીમ આગળની કાર્યવાહી કરશે.
તાજેતરમાં રાજકોટમાં બનેલા ડીઝીટલ એરેસ્ટના બનાવમાં નિવૃત બેંકના કર્મચારી મહેન્દ્ર મહેતાને આ ટોળકીએ સકંજામાં લઈ 15 દિવસ સુધી ડીઝીટલ એરેસ્ટ કરી તેમની પાસેથી રૂા. 56 લાખ પડાવ્યા હતાં. આ મામલે રાજકોટ સાયબર ક્રાઈમની ટીમે અમદાવાદ, જૂનાગઢ અને પાટણમાં દરોડા પાડી આ સાયબર માફિયાના ભાડુતી માણસોની ધરપકડ કરી હતી.
જેમાં જૂનાગઢના એમબીએના વિદ્યાર્થી મહેક કુમાર ઉર્ફે મયંક નિતિનભાઈ જોટાણિયા તથા જૂનાગઢના હિરેનકુમાર મુકેશભાઈ સુબા જ્યારે અમદાવાદના મહમદ રિઝવાનખાન ઈસાકખાન પઠાણ પાટણના રાધનપુરના અરજણસર ગામે પરેશ ખોડા ચૌધરી તેના ભાઈ કલ્પેશ ખોડા ચૌધરી પાટણના ચાણસમાના કમ્બોડી ગામના વિપુલ લાભુભાઈ દેસાઈ અને અમદાવાદના વતનીને હાલ સાબરકાંઠાનાઈડર તાલુકાના ભદ્રેશર રહેતા વિપુલ જેઠાલાલ નાયકની ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં સાઈબર ક્રાઈમે રિમાન્ડ માંગતા જૂનાગઢના હિરેન સુબા અને પાટણના વિપુલ દેસાઈ કે જેઓ બન્ને સુત્રધાર હોય તેમના ચાર દિવસના રિમાન્ડ મંજુર થયા હતા. આ બન્નેની રિમાન્ડ ઉપર સાયબર ક્રઈમની ટીમે પુછપરછ શરૂ કરી છે.
તપાસમાં જાણવા મળ્યું કે, 56 લાખ પૈકી 6 લાખ રૂપિયા જેટલી પોલીસે પરત અપાવી છે. આ સમગ્ર ડીઝીટલ એરેસ્ટ પ્રકરણના મુળ કમ્બોડિયા અને ચાઈનામાં હોવાનું જાણવા મળ્યું છે. કમ્બોડિયાથી થયેલા આ સમગ્ર રેકેટનું પગેરુ પોલીસ મેળવી રહી છે ત્યારે આ પ્રકરણમાં તપાસ દરમિયાન ઓરીસાના એક શખ્સનું નામ પણ ખુલ્યું છે. રાજકોટ સાઈબર ક્રાઈમ પોલીસમાં કબ્જામાં રહેલા આ ગેંગના ભાડુતી માણસોની પૂછપરછ માટે દિલ્હીથી સેન્ટ્રલ આઈબીનીટીમ રાજકોટ આવી હતી. સેન્ટ્રલ આઈબીના એસીપી કક્ષાના આધિકારી સહિતના ચાર સભ્યોએ આ બન્ને શખ્સોની ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી.
જે બેન્ક એકાઉન્ટ ભાડે મેળવવામાં આવ્યા હતા તે એકાઉન્ટ કઈ રીતે ઓપરેટ થતાં હતા તેમજ પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે જે રીતે ઓળખ આપીને ફ્રોડ કરવામાં આવ્યો તેમાં કોનો કોનો શું શુ રોલ હતો તે સહિતની માહીતી સેન્ટ્રલ આઈબીની ટીમે મેળવી છે. ભારતમાં વધતા ડીઝીટલ એરેસ્ટના કેસમાં કમ્બોડિયા અને ચાઈનીઝ સાઈબર માફિયાઓનું કનેક્શન બહાર આવી રહ્યું છે ત્યારે પ્રથમ વખત સ્થાનિક પોલીસ સાથે તપાસમાં સેન્ટ્રલ આઈબી પણ જોડાઈ છે. અને હવે આ મામલે કેન્દ્ર સરકારની આ તપાસ એજન્સી જરૂર પડ્યે વિદેશ મંત્રાલયની મદદથી કમ્બોડિયા અને ચાઈનીઝ ગેંગ ઉપર સકંજો કસવા કાર્યવાહી કરશે.