મહેસાણાના 138 શિક્ષકોના CCC સર્ટિફિકેટ નકલી
શિક્ષણ વિભાગના વેરિફિકેશનમાં ભોપાળું છતું થયું, તપાસ કમિટીની રચના, પગાર-ભથ્થાં અટકાવાયા
ગુજરાતમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. રાજ્યમાં બોગસ દસ્તાવેજ, બોગસ ડોકટર, બોગસ ટોલનાકું અને બોગસ ફેકટરી સહિતના અનેક કૌભાંડ સામે આવ્યા છે. આજે ફરી મહેસાણામાં નકલી સર્ટિફિકેટ કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. શિક્ષણ વિભાગ દ્વારા વેરિફેકેશન પ્રક્રિયામાં શિક્ષકોના CCCકોમ્પ્યુટર સર્ટિફિકેટ નકલી હોવાનું સામે આવ્યું.
સમગ્ર મામલે વિભાગ દ્વારા જવાબદાર શિક્ષકો કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આ મામલાની વધુ તપાસ કરવા સરકારે કમિટીની રચના કરી છે. શિક્ષણ વિભાગ દ્વારા 6708 શિક્ષકોના CCCસર્ટીનું ઓનલાઈન વેરિફિકેશન હાથ ધરાયુ હતું. જેમાં મહેસાણાના 138 શિક્ષકોનું CCCસર્ટી ઓનલાઈન દ્રશ્યમાન ના થતા મામલો શંકાસ્પદ લાગ્યો. જેના બાદ વધુ તપાસ કરતા ચોંકવનારી વિગતો સામે આવી હતી.
મહેસાણામાં 138 શિક્ષકોના શંકાસ્પદ સીસીસી સર્ટીનો ઓનલાઈન વેરિફિકેશનમાં શિક્ષકોના નકલી સર્ટિફિકેટનો ભાંડો ફૂટ્યો. આ બાબત સામે આવ્યા બાદ 138 શિક્ષકોના CCCસર્ટી જે તે યુનિવર્સિટીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા. અને આ તમામ યુનિવર્સિટીમાંથી આ શિક્ષકોના CCCસર્ટીની ખરાઈ કરતો જવાબ ના આવતા તંત્ર એક્શન મોડમાં આવ્યું. 2023માં સરકારમાં આ પ્રશ્ન હજુ પણ પેન્ડિંગ છે. સમગ્ર મામલે રાજ્ય સરકારે એક તપાસ કમિટીની રચના કરી વધુ તપાસ હાથ ધરી. દરમિયાન હાલમાં 138 શિક્ષકોના પગાર અને ભથ્થા અટકાવાયા હોવાનું સૂત્ર દ્વારા જણાવવામાં આવ્યું.
ઉલ્લેખનીય છે કે CCCસર્ટિના આધારે મહેસાણા સહિત સમગ્ર રાજ્યમાં 31 વર્ષની નોકરી બાદ શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળતો હોય છે. CCCએ એક શોર્ટ-ટર્મ કોમપ્યુટર કોર્સ છે, જેમાં વ્યક્તિને લેટેસ્ટ ડિજિટલ ટેકનોલોજીની જાણકારી આપવામાં આવે છે. ખાસ કરીને જે લોકો સરકારી નોકરી કરતા હોય તેમને આ કોર્સ કરવાનો હોય છે. એટલે શિક્ષકોએ સારા પગારનો લાભ લેવા આ કોર્સ કરી તેનું સર્ટિફિકેટ લેવું પડતું હોય છે. શિક્ષકો ઉપરાંત સરકારી કર્મચારીઓમાં આ કોર્સ કરાવવાનો ઉદેશ્ય તેમનામાં કમ્પ્યુટર અને ઈન્ટરનેટની પ્રાથમિક જાણકારી ફેલાવવાનો છે.