માતાના મઢે જતા પદયાત્રીઓની સેવા કરવા ગયેલા મોરબીના યુવકની કારમાંથી 7.34 લાખની રોકડની ચોરી
રોકડ ભરેલી બેગ લઈ જતાં બે શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ, નખત્રાણા પોલીસમાં ગુનો નોંધાયો
નખત્રાણા તાલુકાના દેવપર(યક્ષ) નજીક માતાનામઢ જતા પદયાત્રીઓની સેવા કરવા માટે આવેલા મોરબીના યુવાનની કારમાંથી તસ્કરો રૂૂપિયા 7.34 લાખ ભરેલી બેગ ઉઠાવી ગયા હોવાની ફરિયાદ નોધાઇ છે.બાઈક પર આવેલા બે તસ્કરો બેગ લઇ પલાયન થઇ જતા સીસીટીવી ફૂટેજમાં કેદ થયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ મુળ જુનાગઢના અને હાલ મોરબી રહેતા ફરિયાદી મંગલદાસ બાબુલાલ દેવમુરારીએ નખત્રાણા પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 20 સપ્ટેમ્બરના સવારે સાડા દસ વાગ્યાના અરસામાં બન્યો હતો.ફરિયાદી પોતાની કાર નંબર જીજે 11 સીકયુ 6851 વાળી લઈને માતાનામઢ જતા પદયાત્રીઓની સેવા કરવા માટે આવ્યા હતા.
એ દરમિયાન દેવપર(યક્ષ) ગામના બસ સ્ટેન્ડ નજીક આરોપીઓએ ફરિયાદીની નજર ચૂકવી ગાડીની વચ્ચેની સીટમાં રાખેલ બ્રાઉન કલરનો બેગ ઉઠાવી ગયા હતા જેમાં રોકડ રૂૂપિયા 7.34 લાખ રાખેલા હતા.બનાવને પગલે નખત્રાણા પોલીસે ગુનો દાખલ કરી.
આ મામલે તપાસ કરતા સીસીટીવી ફૂટેજમાં ફરિયાદીની કાર પાસે બાઈક પર આવેલા બે શખ્સો ઉભા રહેતા દેખાય છે અને કારમાંથી બેગ કાઢી પલાયન થઇ જાય છે.પોલીસે ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
