ચુનારાવાડ શાક માર્કેટ પાસે કરિયાણાની દુકાનમાંથી રોકડ અને ગુટખા-બજરની ચોરી
રાજકોટ શહેરનાં ચુનારાવાડ શાક માર્કેટ પાસે આવેલી કરીયાણાની હોલસેલ એજન્સીમા એક મહીના પહેલા તસ્કરો ત્રાટકયા હતા. આ ઘટનામા વેપારીએ થોરાળા પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદને આધારે ડી સ્ટાફે બે શખ્સોને સકંજામા લઇ તમામ મુદામાલ રીકવર કરવા અને વધુ પુછપરછ શરૂ કરી છે.
વધુ વિગતો મુજબ એરપોર્ટ રોડ પર હોટેલ પેટ્રીયા સ્યુટની સામે ઋચી બંગ્લોઝમા રહેતા વેપારી રવીભાઇ અમીનભાઇ દાદવાણી (ઉ.વ. 31) એ પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ ચુનારાવાડ શેરી નં 4 શાક માર્કેટવાળી શેરીમા નવજીવન સ્ટોર નામની કરીયાણાની હોલસેલ એજન્સી છેલ્લા ચાલીસેક વર્ષથી ચલાવે છે. ગઇ તા 3-2 ના રોજ તેઓ રાત્રીનાં સમયે દુકાન બંધ કરી ઘરે જતા રહયા હતા. ત્યારબાદ બીજા દિવસે રોજનાં નિત્યક્રમ મુજબ સવારે દુકાને આવ્યા ત્યારે દુકાનનાં શટરનાં તાળા તુટેલી હાલતમા હતા. ત્યારબાદ ચોરીની શંકા જતા તેઓની દુકાનમા કામ કરતા સદામભાઇ બેલીમને ફોન કરી જાણ કરી હતી અને ત્યારબાદ સદામભાઇ દુકાને આવી ગયા હતા. ત્યારબાદ દુકાનમા ચેક કરતા કરીયાણાનો સામાન વેરવીખેર હાલતમા હતો તેમજ કાઉન્ટરનાં ટેબલનુ ખાનુ ચેક કરતા ખાનામા રહેલા રોજબરોજનો વકરો રૂ. 8 થી 10 હજાર જોવામા આવ્યાનુ અને વિમલ - ગુટખા તેમજ બજરનાં અમુક પેકેટ જોવામા આવ્યા ન હતા. આ મામલે થોરાળા પોલીસ મથકમા ફરીયાદ નોંધવામા આવતા પીઆઇ એન. જી. વાઘેલાની રાહબરીમા પીએસઆઇ મહેશ્ર્વરી સહીતનાં સ્ટાફે ગુનો નોંધી બે રીઢા તસ્કરને સકંજામા લઇ ચોરીમા ગયેલો તમામ મુદામાલ જપ્ત કરવા તજવીજ શરૂ કરી છે.