For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હળવદના જમીન કૌભાંડમાં બે મહિલા સહિત 9 સામે ગુનો દાખલ

11:45 AM Nov 10, 2025 IST | admin
હળવદના જમીન કૌભાંડમાં બે મહિલા સહિત 9 સામે ગુનો દાખલ

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં બનાવટી દસ્તાવેજોના આધારે કુલ 344.27 વીઘા જેટલી વિશાળ સરકારી જમીન પચાવી પાડવાનું એક સનસનાટીભર્યું કૌભાંડ બહાર આવ્યું છે. આ મામલે હળવદના મામલતદારે તાત્કાલિક કાર્યવાહી કરતા બે મહિલા સહિત કુલ નવ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેના પગલે સ્થાનિક વહીવટીતંત્રમાં હડકંપ મચી ગયો છે.

Advertisement

પ્રાથમિક તપાસ મુજબ, આરોપીઓએ 26 માર્ચ 2016 થી 17 જુલાઈ 2020 ના સમયગાળા દરમિયાન એક સુઆયોજિત કાવતરું રચ્યું હતું. તેમણે સરકારી કચેરીઓના ઉચ્ચ હોદ્દેદારોના બનાવટી રબર સ્ટેમ્પ બનાવ્યા હતા અને તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો.

સક્ષમ સત્તા અધિકારીઓની ખોટી સહીઓ કરીને બોગસ હુકમો પણ તૈયાર કર્યા હતા. આ બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ત્રણેય ગામોની કુલ 344.27 વીઘા સરકારી જમીનની નોંધણી પોતાના નામે કરાવી લઈને સરકારી રેકોર્ડમાં પણ ગેરકાયદેસર ફેરફારો કર્યા હતા.

Advertisement

આ કૌભાંડમાં હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર અને સુંદરી ભવાની જેવા ગામોની વિવિધ સર્વે નંબરવાળી સરકારી જમીનને નિશાન બનાવવામાં આવી હતી. આરોપીઓએ આ કિંમતી જમીનને ગેરકાયદેસર રીતે પોતાના નામે કરાવી લેવાનો પ્રયાસ કર્યો હતો, જે સરકારી તિજોરી અને જાહેર સંપત્તિને મોટું નુકસાન પહોંચાડી શકે તેમ હતું. આ સમગ્ર કૌભાંડની ગંભીરતાને ધ્યાનમાં લઈને હળવદના મામલતદાર અલ્કેશ ભટ્ટ (ઉંમર 55) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં વિગતવાર નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફરિયાદમાં નામજોગ કરાયેલા નવ આરોપીઓમાં કોયબાના રમેશભાઈ બાબાભાઈ કોળી અને બીજલભાઇ અમરશીભાઈ કોળી, હળવદના છગનભાઈ નાગજીભાઈ ધારિયાપરમાર, થાનના મનડાસરના દલાભાઈ રણછોડભાઈ ડાભી, ઘનશ્યામપુરના દિનેશભાઈ હમીરભાઇ વનાણી, રાઠોડ માવજીભાઈ ડાભાભાઇ અને મંજુબેન રત્નાભાઇ કોળી, સુંદરીભવાનીના જશુબેન બાબુભાઈ કોળી તેમજ મુળીના રાયસીંગપુરના વનાણી હમીરભાઈ વજુભાઈનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (ઈંઙઈ) ની કલમ 465 (ખોટા દસ્તાવેજો બનાવવા), 467 (કિંમતી જામીનગીરીની બનાવટ), 468 (છેતરપિંડીના હેતુથી બનાવટ), 471 (બનાવટી દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ), 472 (બનાવટ કરવા માટે સ્ટેમ્પ કે સાધનનો કબજો), 120(બી) (ગુનાહિત કાવતરું) અને 34 (સમાન ઈરાદો) હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે. આ કેસની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એચ. અંબારિયા દ્વારા કરવામાં આવી રહી છે. આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય કોઈ વ્યક્તિઓ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement