જેતપુરના વાવડી રેલવે સ્ટેશન પાસેથી 2.52 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઈ
જેતપુરના વાવડી ગામના રેલવે સ્ટેશન પાસે ગ્રામ્ય એલસીબીએ બાતમીના આધારે દરોડો પાડીને 2.52 લાખની કિંમતની 202 બોટલ દારૂ ભરેલી કાર પકડી પાડી હતી. આ દરોડામાં કારનો ચાલક ફરાર થઈ ગયો હતો. એલસીબીએ દારૂ અને કાર સહિત રૂા.7.52 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને દારૂ ભરેલી કાર મુકીને ભાગી ગયેલા શખ્સની શોધખોળ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ, રાજકોટ ગ્રામ્ય એલસીબીના પીઆઈ વી.વી.ઓડેદરા અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે જેતપુરના વાવડી ગામ પાસે રેલવે સ્ટેશન નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન એક કાર નં.જીજે.3 એલ.બી.5803 ત્યાંથી પસાર થતાં તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. કાર ચાલક કાર રેઢી મુકીને ભાગી ગયો હોય જેમાં તપાસ કરતાં 2.52 લાખની કિંમતની 202 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને કાર સહિત 7.52 લાખનો મુદ્દામાલ કબજે કરી આ દારૂ લાવનાર કાર ચાલક અને મંગાવનાર અંગે વધુ તપાસ શરૂ કરી છે.
જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઈ વી.વી.ઓડેદરા, પીએસઆઈ એચ.સી.ગોહિલ સાથે ટીમના અનિલભાઈ બડકોદીયા, બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, હરેશભાઈ પરમાર, મિરલભાઈ ચંદ્રાવાડીયા સહિતનાએ કામગીરી કરી હતી.