560 કરોડના કૌભાંડી CAએ રાજકોટની પેઢીને માર્યો 4.62 કરોડનો ધૂંબો
જામનગરના સીએ અલ્કેસ પેઢલિયાએ રાજકોટ રહેતા તેના જ કૌટુબિક ભાઇની પેઢીના જીએસટીના આઇડી પાસવર્ડ મેળવી પોર્ટલ પર ખોટા રેકર્ડ ઉભા કર્યા હતા
વેપારીને જીએસટી કચેરીમાંથી સમન્સ આવ્યું ને કૌભાંડની જાણ થઇ, આરોપી ફરાર
સ્ટેટ જીએસટીએ તાજેતરમા જ જામનગરની જુદી જુદી વેપારી પેઢી અને એકમોમા સર્ચ ઓપરેશન કરી જામનગરનાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેસ પેઢલીયાનાં કેન્દ્રમા આચરવામા આવેલી 560 કરોડનાં બોગસ બીલીંગ અને રૂ. 100 કરોડથી વધુની કરચોરીનો પર્દાફાશ કર્યો હતો. હાલ આરોપી ફરાર છે. ત્યારે આરોપી વિરુધ્ધ રાજકોટ શહેરમા વધુ એક છેતરપીંડીનો ગુનો નોંધવામા આવ્યો છે.
જેમા રાજકોટ શહેરનાં પ્રતિષ્ઠીત વેપારી અને જીવરાજ પાર્ક નંદન રેસીડેન્સી રીવેરા પ્રાઇડની સામે રહેતા પ્રકાશભાઇ પરસોતમભાઇ કમાણી (પટેલ ) (ઉ. વ. 37 ) ની સિધ્ધી વિનાયક હોલીડેઝ અને આલ્પાઇન થાઇડ્રીમ્સ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ પેઢીનાં જીએસટીનાં આઇડી પાસવર્ડનો અપ્રમાણીકતાથી ઉપયોગ કરી ખોટા બીલોની ડેટા એન્ટ્રી જીએસટી પોર્ટલ પર ભરવા પાત્ર જીએસટી રીર્ટન્સમા ભરી ખોટા ઇલેકટ્રોનીક રેકોર્ડ ઉભા કરી અને તેનો ખરા તરીકે ઉપયોગ કરી અન્ય વેપારીઓને વેરા શાખ તબ્દીલ કરેલ હોય આમ ફરીયાદી પ્રકાશભાઇ કમાણીની બંને પેઢી પર 4.62 કરોડની જીએસટી પેન્લ્ટીની જવાબદારી ઉભી કરી વિશ્ર્વાસઘાત કર્યાનો ગુનો સીએ અલ્કેસ પેઢલીયા પર તાલુકા પોલીસ સ્ટેશનમા નોંધવામા આવ્યો છે.
આ સમગ્ર ફરીયાદમા ફરીયાદી પ્રકાશભાઇએ જણાવ્યુ હતુ કે તેઓ હાલ આલ્પાઇન થાઇડ્રીમ્સ પ્રા. લી. નામની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની કંપની ધરાવે છે. તેઓએ 2016-17 મા 150 ફુટ રીંગ રોડ બીગ બઝાર પાસે ચંદ્રપાર્ક 2 મા સિધ્ધી વિનાયક હોલીડેઝ નામની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની પેઢી ચાલુ કરી હતી અને આ પેઢી 2019 સુધી ચાલુ રાખ્યા બાદ બંધ કરી દીધી હતી. આ દરમ્યાન આ પેઢીનાં એકાઉન્ટન્ટ તરીકે તેમનાં ફઇનાં દીકરા અલ્કેશ હરીલાલ પેઢડીયા (રહે. જામનગર ) હતા.
ત્યારબાદ પેઢી બંધ થઇ જતા પેઢીનુ જીએસટી નંબર રદ કરવાની તેમને કહયુ હતુ. ત્યારબાદ 2019 મા અલ્કેશે ફરીયાદી પ્રકાશભાઇને વાત કરી હતી કે મોટાપાયે ધંધો કરવો હોય તો આપણે પ્રાઇવેટ કંપની બનાવીએ જેથી તેનાં કહેવા પ્રમાણે 2019 મા ઇમ્પીરીયલ હાઇટસમા આલ્પાઇન થાઇડ્રીમ્સ પ્રા. લી. નામની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની કંપની શરુ કરી હતી જે હાલ નાના મવા રોડ મોકાજી સર્કલ પાસે કાર્યરત છે. આ કંપનીમા પ્રકાશભાઇ અને અલ્કેશભાઇનાં પત્ની શ્રૃતીબેન તેમજ પ્રકાશભાઇનાં જાણીતા મોનાબેન એમ ત્રણેય જણા ડીરેકટર છે અને આ પેઢીનો સંપુર્ણ વહીવટ પ્રકાશભાઇ સંભાળે છે. તેમજ જીએસટી રીર્ટન્સનુ કામ અને ઓડીટનુ કામ મુકેશભાઇ સંભાળતા હતા.
થોડા દીવસ બાદ તા. 30-9-25 નાં રોજ ફરીયાદી પ્રકાશભાઇનો રાજકોટની જીએસટી કચેરી ખાતેથી એક સમન્સ વોરંટ મળ્યુ હતુ . જેથી તેઓ જીએસટી કચેરીએ જવાબ લખાવવા ગયા હતા. ત્યારે તેઓને જાણ થઇ હતી કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશે સીધ્ધી વિનાયક હોલીડેઝ પેઢીનાં નામે 11.72 કરોડની ખરીદી દર્શાવી છે અને તેનુ વેચાણ રૂ. 12.59 કરોડ દર્શાવ્યુ છે. અને ખોટી વેરા શાખ અન્ય વેપારીને તબદીલ કરેલી છે જે બદલ પ્રકાશભાઇને જીએસટીનાં નીયમ મુજબ 2.25 કરોડ જીએસટી ભરવાનુ થાય છે તેવી જ રીતે આલ્પાઇન થાઇડ્રીમ્સ પ્રા. લી. કંપનીનાં નામે પણ રૂ. 13.38 કરોડની ખરીદી દર્શાવી છે.
અને તેનુ અત્યાર સુધીનુ વેચાણ 13.14 કરોડ દર્શાવ્યુ છે. અને આ ખોટા વહીવટ બદલ પ્રકાશભાઇને જીએસટીનાં નીયમ મુજબ 2.36 કરોડ જીએસટી ભરવાનુ થાય છે. આમ પ્રકાશભાઇની જાણ બહાર બંને કંપનીનાં ખોટા બીલની ડેટા એન્ટ્રી કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી પ્રકાશભાઇની જાણ બહાર વેપારીઓને વેરા શાખ તબદીલ કરતા 4.62 કરોડની જીએસટી પેન્લ્ટી ઉભી કરી હતી . આ અંગે પ્રકાશભાઇ કમાણીએ તાલુકા પોલીસ મથકમા આરોપી અલ્કેશ વિરુધ્ધ વિશ્ર્વાસઘાત અંગેની ફરીયાદ નોંધાવી હતી.