ઇન્સ્યોરન્સના છ મહિને 72 લાખ મળશે તેવી લાલચ આપી વેપારી સાથે 13.28 લાખની ઠગાઇ
શહેરમાં ઈન્સ્યોરન્સ કંપનીના કર્મચારી તરીકેની ઓળખ આપી મહિલાએ વેપારીને તમારા નામના ઈન્સ્યોરેન્સના રૂ.15 લાખ જમા છે બીજા છ માસ સુધી પૈસા ભરો તો છેલ્લે ઈન્સ્યોરન્સ પેટે રૂ.72 લાખ મળશે તેવી લાલચ આપી રૂ.13.28 લાખ ટ્રાન્સફર કરાવી લઈ કોઈ ઈન્સ્યોરન્સ પોલીસી કે પૈસા પરત ન આપી છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવતા સાયબર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ વિગતો મુજબ,શહેરના આદર્શ વાટીકા બ્લોક નં 31 લીલાવંતી હોલની સામેની શેરી સાંઈબાબા સર્કલની બાજુમાં કોઠારીયામાં રહેતા કિશોરભાઈ લાભુભાઈ ગમઢાએ સાયબર ક્રાઈમ પોલીસમાં કુસુમ ગણપતસિંહ રાજપૂત તથા તપાસમાં ખુલે તે તમામ સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે વર્ષ 2018માં અજાણ્યા નંબરથી ફોન આવેલ અને પોતાની ઓળખ ભારતીય એ.એકસ.એ. લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીના કર્મચારી તરીકે આપી સ્ક્રીમ સમજાવી દર વર્ષ 80 હજાર નું 4 વર્ષ પ્રીમીયમ ભરવાનું બાદ 7 વર્ષ પાકતી મુદતે 7લાખ મળવા પાત્ર છે. જેથી ઈન્સ્યોરન્સની સ્ક્રીમમાં રસ પડતા મે રૂ.80 હજાર ત્રણ વર્ષ સુધી કુલ રૂ.2.40 લાખ જમા કરાવેલ બાદ સામેવાળાએ નંબર બંધ કરી દેતા ફરિયાદ કરેલ ન હતી.
ફરિ વર્ષ 2024માં મારા નંબરમાં ફોન આવેલ પોતે દિક્ષીતા શાહ ભારતીય એ.એકસ.એ.લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીના કર્મચારી હોવાનું જણાવું કહ્યું કે તમારા ઈન્સ્યોરન્સ પેટે રૂૂ.15 લાખ જમા પડેલ છે. જો તમે બીજા છ માસ સુધી રૂૂપિયા ભરશો તો છેલ્લે ઈન્સ્યોરન્સ પેટે રૂ.72 લાખ મળશે જેથી મે વર્ષ 2018માં જમા કરાવેલ રૂ.2.40 લાખ પરત ન મળેલ હોવાની મહિલાને વાત કરતા તેણે કહ્યું કે તે વ્યકિત ફોડ હોવાનું અને તેની સામે પોલીસ કેસ કરેલ હોવાની વાત કરેલ હતી.બાદ તેણીના કહ્યા મુજબ આપેલ બેંક ખાતામાં કટકે-કટકે કુલ રૂ.13.28 લાખ જમા કરાવેલ છતાં કોઈ પોલીસી કાગળ કે પૈસા પરત ન આપી વાયદા કરતા હોય જેથી છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ફ્રોડમા ગયેલ રૂૂપીયા જે બેન્ક એકાઉન્ટમા જમા થયેલ હતા, તે બેન્ક એકાઉન્ટ ફ્રિઝ થઇ ગયેલ હતુ. જેથી બેન્ક એકાઉન્ટ હોલ્ડર તથા ફોનના ધારકએ કોન્ટેક કરી સમાધાન અંગેની વાતચીત કરેલ હતી, તે દરમ્યાન તેઓને ફોન કોલ કરનારનું સાચુ નામ કુસુમબેન ગણપતસિંહ રાજપુત હોવાનુ જાણવા મળેલ હતુ.
