ભાવનગરમાં ઘર પાસે ઉભા રહેવાની ના પાડતા વેપારી પર હુમલો, 3 કાર સળગાવી
શહેરના વિદ્યાનગર અનંતવાડી વિસ્તારની સોસાયટીમાં ઘર પાસે ઉભા રહેતાં આવારા શખ્સોને ટપારતાં ત્રણેયે અલંગના વેપારીપર હુમલો કરી નાસી ગયા હતા. જયારે, મધ્યરાત્રિએ આવી સોસાયટીમાં પાર્ક થયેલી વેપારી તથા તબીબની મળી કુલ ત્રણ લકઝૂરિયસ કાર સળગાવી અંદાજે રૂૂા.60 લાખનું નુકશાન કર્યું હતું.બીજી તરફ, વાહનોમાં આગના કારણે સ્થાનિકોમાં અફરાં-તફરી મચી ગઈ હતી. જયારે,સીસીટીવીમાં કેદ થયેલી ઘટનાના આધારે વેપારીએ ત્રણેય શખ્સ વિરૂૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
શહેરના વિદ્યાનગર અનંતવાડી વિસ્તારમાં આવેલાં અનંત કો.ઓપ. સોસાયટીમાં રહેતાં અને અલંગના વેપારી ચિંતનભાઈ શાહના ઘર નજીક ગત મોડીરાત્રે ત્રણથી ચાર અજાણ્યા યુવકો ઉભા હતા જેમને ઘર પાસે ઉભા રહેવાની ના પાડતાં તમામે વેપારી પર હુમલો કરી ધાક-ધમકી આપી ગાળાગાળી કરી હતી અને જતાં જતાં તમામેે અહીં કેમ રહો છો,ઘરબાર સળગાવી દેવાની અને મારી નાંખવાની ધમકી આપી નાસી છૂટયા હતા.દરમિયાનમાં મધ્યરાત્રિએ આશરે 2:50 કલાક આસપાસ તેમની સોસાયટીમાં પડેલી વેપારીની માલિકીની ફોર વ્હીલ કાર ટોયોટા હાઈક્રોસ નં. જીજે.04.ઈપી.0016 તથા ડો. જગદિશસિંહ એફ રાણાની હોન્ડા સિટી કાર નં. જીજે.04. એપી. 8197 અને તેમના પત્ની કુમુદિનીબા રાણાની માલિકીની શેવરોલે બીટ કાર નં.જીજે.04.એપી.3997માં આગ લાગ્યાની જાણ થતાં તેમની સહિત સોસાયટીના તમામ રહિશો જાગી ગયા હતા. અને તમામે ફાયર સ્ટાફને બોલાવી સયુંક્ત રીતે આગ બૂઝાવી હતી. જો કે, આગના કારણે ત્રણેય કાર સંપૂર્ણ બળીને ખાક્ થઈ ગઈ હતી.
જયારે, રહિશોએ સોસાયટીના સીસીટીવી ફૂટેજ તપાસ્યા ત્યારે અલંગના વેપારી પર હુમલો કરનાર શખ્સ લવલી હિંમતભાઈ વાઘેલા તથા તેની સાથે અભિષેક વિનોદભાઈ સોલંકી અને કુંજ અશોકભાઈ બોરિયાએ એકસંપ કરી મધ્યરાત્રિએ સોસાયટીમાં ગેરકાયદે પ્રવેશ કરી જ્વલનશીલ પદાર્થ છાંટી ત્રણેય કારમાં આગ લગાવી નાસી ગયાનું જણાયું હતું. સીસીટીવી ફૂટેજના આધારે નિલમબાગ પોલીસે ચિંતનભાઈ શાહની ફરિયાદ લઈ ઉક્ત ત્રણેય શખ્સો વિરૂૂદ્ધ માર મારી, ધમકી આપી વાહનોમાં આગ લગાવી નુકશાન કર્યાની ફરિયાદ નોંધી હતી અને ત્રણેય ફરાર શખ્સોને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા.