લાઠીમાં રખડતા ઢોરનો ત્રાસ, આખલાએ બાઇકને ઉલાળતા મહિલાનું ઘટના સ્થળે મોત
લાઠીમાં આખલા યુદ્ધ દરમિયાન ખરીદી કરવા આવેલા દંપતિના બાઈકને એક આખલાએ હડફેટે લીધું હતું. આ ઘટનામાં મધ્યપ્રદેશની 27 વર્ષિય મહિલાને માથાના ભાગે હેમરેજ થતા તેનું મોત નિપજ્યું હતું.
મુળ મધ્યપ્રદેશના કુકશી તાલુકાના ઘુડદલીયા ડાવરપુરા ફળીયુમાં રહેતા અને હાલ લાઠીમાં કિશોરભાઈ બાબુભાઈ શેલડીયાની વાડીમાં કામ કરતા નકરૂૂભાઈ સુરાજીભાઈ કનોડાએ લાઠી પોલીસમાં જણાવ્યું હતું કે 24 જૂનના રોજ સાંજના સાડા પાચેક વાગ્યે તેમના પત્ની પારૂૂલબેન નકરૂૂભાઈ કનોડા ( કચીદા) ( ઉ.વ.27) સાથે બાઈક લઈને લાઠી ખરીદી કરવા માટે ગયા હતા. તે દરમિયાન લાઠીના બાઉદીનપીરની દરગાહ પાસે રોડ ઉપર બે આખલા લડતા હતા.
આખલા યુદ્ધ દરમિયાન એક આખલાએ તેના બાઈકને હડફેટે લીધું હતું. જેના કારણે બાઈક પાછળ બેસેલા પારૂૂલબેન કનોડા નીચે પડી ગયા હતા અને માથાના ભાગે ગંભીર ઈજા તેમજ હેમરેજ થઈ ગયું હતું. તેમને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે લાઠી પોલીસમાં જાણ કરવામાં આવતા હેડ કોન્સ્ટેબલ કે.કે.રાઠોડ વધુ તપાસ ચલાવી રહ્યા છે.