સગાઇ તોડવાની વાત કરતા ભાઇએ બહેનના મંગેતરને ફોન કરી મારી નાખવાની ધમકી આપી
શહેરનાં રેલનગરનાં મહારાણા પ્રતાપ ટાઉનશીપમા રહેતા યુવાનને તેની મંગેતરનાં ભાઇએ સગાઇ તોડવા મામલે ફોન કરી ધમકી આપતા પ્રનગર પોલીસમા ફરીયાદ નોંધાઇ છે. આ મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
બનાવની વિગતો અનુસાર મહારાણા ટાઉનશીપ વિંગ ડી મા રહેતો વરૂણભાઇ રમેશભાઇ મકવાણા (ઉ.વ. ર4) એ ફરીયાદમા તેમની મંગેતરનાં ભાઇ મનીષભાઇ નીતેશભાઇ સોલંકી (રહે. પંચ સાતડી બજાર ખારવા ભવનની બાજુમા પોરબંદર) નુ નામ આપતા તેની સામે ગુનો નોંધવામા આવ્યો છે.
વરૂણે ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેમની તા. 14/2 નાં રોજ પોરબંદર રહેતા નિતેશ સોલંકીની દીકરી આરતી સાથે સગાઇ થઇ હતી. પંદર દીવસ પહેલા જાણવા મળ્યુ કે આરતીને કોઇ બિમારી હોય જેથી તેના માતા-પિતા આરતીને લઇને રાજકોટ સારવાર અર્થે લઇ આવ્યા હતા. જેથી વરૂણના માતા-પિતા આરતીનાં માતા-પિતાને ઘરે બોલાવ્યા હતા અને તેમને જણાવ્યુ કે અમારા દીકરાની સગાઇ તમારી દીકરી સાથે રાખવી નથી.
તેમ કહેતા આરતીનાં માતા-પિતા ત્યાથી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ બે ત્રણ દીવસ પછી રાત્રીનાં સાડા બારેક વાગ્યે આરતીનાં ભાઇ મનીષે ફોન કરી બોલાચાલી કરી ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા પ્રનગર પોલીસમા ફરીયાદ નોંધાવતા પીએસઆઇ જે. એમ. જાડેજા અને સ્ટાફે તપાસ શરૂ કરી છે.