પ્રેમિકાને આપઘાતનો પ્રયાસ કરવા મજબૂર કરવાના કેસમાં પ્રેમીના આગોતરા નામંજૂર
દુષ્કર્મ આચરી લગ્ન નહીં કરું અને બીજે કરવા પણ નહીં દઉ તેવી ધમકી આપતા યુવતીએ ફિનાઇલ પીધું’તું
શહેરના એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારની હોટલમાં પ્રેમિકા સાથે બળજબરીથી દુષ્કર્મ આચરી લગ્ન નહીં કરું બીજે લગ્ન નહીં કરવા દઉ તેવી ધમકી આપતા યુવતીએ ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યા અંગેના ગુનામા પોલીસ ધરપકડની દહેશતથી આરોપીએ કરેલી આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.
વધુ વિગત મુજબ શહેરના 150 ફૂટ રીંગ રોડ નજીક આવેલા દેવનગરમાં રહેતા રાહુલ જગદીશભાઈ પરમાર નામના યુવાને અભ્યાસ કરતી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. યુવતીને નાના મવા સર્કલ પાસે લગ્નની વાત કરવાના બહાને બોલાવી માર માર્યો હતો. બાદ સમાધાનના બહાને હોટલ ખાતે લઈ જઈ દુષ્કર્મ આચરી અને યુવતીને કહેલ કે તારે ફિનાઈલ પીવું હોય તો પી લે હું તારી સાથે લગ્ન નહીં કરું તને પણ બીજે લગ્ન નહીં કરવા દઉં તેવી ધમકી આપતા યુવતીએ ફિનાઈલ પી લીધુ હતું.
જે અંગે એ. ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ગુનામાં પોલીસ ધરપકડની દહેશતથી રાહુલ પરમારે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. પોલીસે આરોપીને ખોટી રીતે સંડોવી દીધેલ હોવાની દલીલો તેમના વકીલ દ્વારા કરવામાં આવેલી હતી. ફરીયાદીના વકીલ દ્વારા આગોતરા જામીન અરજી નામંજુર કરવા વિગતવા2 જવાબ વાંધાઓ રજુ કરી અને એવી દલીલો કરેલ હતી કે, આરોપીએ કોઈ સ્ત્રીને મરી જવુ પડે તે હદ સુધી ત્રાસ આપેલો છે. લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચરેલ છે. જે ધ્યાને લઈ આરોપીની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજુર કરી હતી.
આ કેસમાં ફરીયાદી તરફે ધારાશાસ્ત્રી દીલીપ પટેલ, કલ્પેશ નસીત, નૈમિષ જોષી, અનીતા રાજવંશી અને સરકારી વકીલ આબીદ સોશન રોકાયા હતા.