ગર્લફ્રેન્ડ સાથેની અંગત પળોનો વીડિયો મિત્રને આપી પ્રેમીએ ગીરવે મુકેલી કાર છોડાવી લીધી
અમદાવાદમાં યુવતીના આપઘાત કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ
અમદાવાદમાં 4 જૂલાઈની રાત્રે ચાંદખેડા વિસ્તારમાં ફલેટના 14માં માળેથી 21 વર્ષીય યુવતીએ પ્રેમી સાથેની અંગત પળોનો વીડિયો વાઇરલ થવાના ડરને કારણે મોતની છલાંગ લગાવી હતી. જોકે, યુવતીનો વીડિયો પ્રેમી મોહિત અને હાર્દિકના મોબાઈલમાં કેવી રીતે પહોંચ્યો તે અંગે તપાસ ચાલી રહી છે, ત્યારે આ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં મોહિત અને તેના અન્ય મિત્રએ એક કાર ભાડે લીધી હતી અને તે કાર રૂૂપિયા માટે હાર્દિક પાસે ગીરવે મુકી હતી.
હાર્દિક ઉછીના આપેલા રૂૂપિયાની રિકવરી કરવામાં મોહિતનો ફોન હાર્દિક પાસે આવ્યો હતો. જેમાં મૃતક યુવતીનો જે વીડિયો હતો તે હાર્દિકે પોતાના મોબાઈલમાં લીધો અને બાદમાં તેણે યુવતીને પણ બતાવ્યો હતો. આ સમગ્ર મામલે હવે આગામી સમયમાં તપાસ ST/SC સેલને પણ સોંપાય તેવી તજવીજ હાથ ધરવામાં આવી છે, પરંતુ હજી હાર્દિક પોલીસની પહોંચથી દૂર છે જેથી તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં 21 વર્ષીય યુવતીએ છત ઉપરથી છલાંગ મારીને આત્મહત્યા કરી લીધી હતી. આ સમગ્ર મામલામાં યુવતીના વીડિયો પણ સામે આવ્યા હતા, પરંતુ પ્રાથમિક તપાસમાં યુવતીએ પોતાનો અંગત પળોનો વીડિયો વાઇરલ થવાના ડરથી આત્મહત્યા કરી હોવાનું પોલીસ માની રહી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોહિત અને તેના મિત્રએ એક કાર ભાડે લીધી હતી અને આ ભાડે લીધેલી કાર રૂૂપિયા માટે હાર્દિકને ત્યાં ગીરવી મૂકી હતી. થોડા દિવસ બાદ હાર્દિકને ખબર પડી કે આ કાર મોહિતની નથી પરંતુ તેણે ભાડે લીધી છે અને તેને મૂર્ખ બનાવ્યો છે. જેથી હાર્દિક મોહિત અને તેના મિત્રની પાસેથી રિકવરી કરી રહ્યો હતો તે દરમિયાન તેનો ફોન પણ તેણે લીધો હતો અને તેના ફોનમાં મૃતક યુવતીનો વીડિયો પણ હતો. જે વીડિયો તે સમયે હાર્દિકે પોતાની પાસે લઈ લીધો હતો અને આ યુવતીનો નંબર પણ મોહિત પાસેથી તેણે લીધો હતો. ત્યાર બાદ આ વીડિયો હાર્દિકે યુવતીને બતાવ્યો હતો અને તે સમયે કોઈ વાતચીત થઈ હતી અને તે ત્યાંથી જતો રહ્યો હતો.આ વીડિયો મોહિત પાસેથી હાર્દિક પાસે ગયો હોવાની ખરાઈ થયા બાદ યુવતીએ તે સમયે આ વીડિયો તેના અને હાર્દિકના મોબાઇલમાંથી ડિલિટ કરવા માટે જણાવ્યું હતું, પરંતુ હાર્દિકના મોબાઇલમાંથી મોહિત ડિલિટ કરાવી શકે તેમ ન હતો જેથી મોહિત આનાકાની કરી રહ્યો હતો. યુવતીએ આ સંદર્ભે સોલા પોલીસને જાણ કરી હતી.
સોલા પોલીસની હાજરીમાં યુવતી અને મોહિત વચ્ચે સમાધાન થયું હતું અને આ વીડિયો મોહિતના ફોનમાંથી ડિલિટ કર્યો હતો. પરંતુ હાર્દિકના ફોનમાં આ વીડિયો હોવાથી યુવતી સતત ચિંતામાં રહેતી હતી. બીજી તરફ હજી હાર્દિક પોલીસ પકડમાં આવ્યો નથી. જેથી હાર્દિક આખી ઘટનાનો સૌથી મહત્વનો જાણકાર હોવાનું માનવામાં આવે છે.