પ્રેમિકાને સોંપવા ગયેલા પ્રેમીને પરિવારે માર મારી ઝેરી દવા પીવડાવી દીધી
પડધરીના મોવૈયા ગામે પરણીત પ્રેમી ત્રણ માસ પૂર્વે પ્રેમિકાને ભગાડી ગયો હતો. જે પ્રકરણમાં રૂૂ.2.50 લાખમાં સમાધાન થતા પ્રેમી પ્રેમિકાને તેના પરિવારને સોપવા ગયો હતો. ત્યારે પ્રેમિકાના પરિવારે રૂૂ.5 લાખની માંગણી કરી ધોકા અને પાઇપ વડે હુમલો કરી ઝેરી દવા પીવડાવી દીધી હતી. યુવાનને બેશુદ્ધ હાલતમાં સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પડધરીના મોવૈયા ગામે રહેતા વિજય રૂૂપેશભાઈ ચૌહાણ નામનો 24 વર્ષનો યુવાન રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં મોવિયા ગામે આવેલા ઢોળા વિસ્તારમાં હતો. ત્યારે શાંતુભાઈ આદિવાસી, બબીબેન આદિવાસી, કલીબેન આદિવાસી અને દિનેશ આદિવાસી સહિતના શખ્સોએ વિજય ચૌહાણ ઉપર ધોકા પાઇપ વડે હુમલો કરી ઝેરી દવા પીવડાવી દીધી હતી. હુમલામાં ઘવાયેલા યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરતા પડધરી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં વિજય ચૌહાણ અને હુમલાખોર શ્રમિક પરિવાર છે. વિજય ચૌહાણ બે ભાઈ ત્રણ બહેનમાં મોટો છે અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે વિજય ચૌહાણને હુમલાખોરની પુત્રી પ્રેસિલા સાથે પ્રેમ થઈ જતા બંને ત્રણ મહિના પહેલા ભાગી ગયા હતા જે પ્રેમ પ્રકરણમાં રૂૂ.2.50 લાખમાં સમાધાન થયા બાદ વિજય ચૌહાણ પ્રેમિકા પ્રેસિલાને તેના માવતરને સોંપવા ગયો હતો ત્યારે પ્રેમિકાના પરિવારે રૂૂ.5 લાખની માંગણી કરી વિજય ચૌહાણ ઉપર હુમલો કરી ઝેરી દવા પીવડાવી દીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અને આ ઉપરાંત વિજય ચૌહાણ અને પ્રેસિલાના પ્રેમ પ્રકરણના કારણે તેની પત્ની રિસામણે ચાલી ગઈ હતી અને વિજય ચૌહાણ વિરુદ્ધ પડધરી પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાનું પણ જાણવા મળ્યું છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.