પ્રેમિકાને છરીના ઘા ઝીંકી પ્રેમીનો આપઘાતનો પ્રયાસ
મવડીમાં રહેતા પરિણીત પ્રેમીએ સરધારમાં પ્રેમિકાના ઘરે ધસી જઇ ગળાના ભાગે છરી ઝીંકી જાતે પેટમાં ઘા માર્યા
પ્રેમ પ્રકરણની જાણ થઇ જતા પત્ની રિસામણે ચાલી ગઇ, યુવકે પ્રેમીકાના ઘરે પહોંચી લગ્નનો પ્રસ્તાવ મૂકયો : પ્રેમીકાએ ના પાડતા આચરેલું કૃત્ય
પ્રેમ પ્રકરણમાં અણબનાવ બનતા હત્યા સુધીનો કરૂણ અંજામ આવતો હોવાના અનેક બનાવો સામે આવતા રહે છે. ત્યારે આવા જ એક વધુ બનાવમાં શહેરની ભાગોળે ભાવનગર રોડ પર આવેલા સરધાર ગામે પ્રેમિકાના છરીના ઘા ઝીંકી પરણીત પ્રેમીએ જાતે પેટમાં છરી હૂલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બનાવમાં બંને પ્રેમી પંખીડાને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં મવડીમાં રહેતા યુવકને સરધારની યુવતી સાથે પ્રેમસંબંધ હોય જેની જાણ યુવકની પત્નીને થઇ જતા તેણી રિસામણે ચાલી ગઇ હતી બાદમાં યુવકે પ્રેમીના ઘરે ધસી જઇ લગ્નનો પ્રસ્તાવ મૂકયો હતો. પરંતુ પ્રેમીકાએ આનાકાની કરતા યુવકે ઉશ્કેરાઇ જઇ પ્રેમિકાને ગળાના ભાગે છરીનો ઘા ઝીંકી આપઘાતનો પ્રયાસ કર્યાુનું જાણવા મળ્યુ છે. આ અંગે આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ જામકંડોરણા તાલુકાના રાજપરા ગામનો વતની અને હાલ રાજકોટમાં મવડી ચોકડી પાસે સીતારામ ચોકમાં રહેતો નિકુંજ અરવીદભાઇ વેકરીયા (ઉ.વ.30)નામનો યુવાન આજે વહેલી સવારે સરધાર ગામે રહેતી હિના ભરતભાઇ બુડાસણા(ઉ.વ.28)ના ઘરે ઘસી આવી કોઇ બાબતે બોલાચાલી યુવતીના ગળાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. જેથી યુવતી લોહીલુહાણ થઇ ગઇ હતી. બાદમાં આ શખસે જાતે પેટના ભાગે તથા શરીરે છરીના ઘા ઝીંકી દેતા તેને પણ ઇજા પહોંચી હતી. બનાવની જાણ થતા યુવતીના પરિવારજનો તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇ ગયા હતાં. જયારે યુવતી પર હુમલો કરનાર નિકુંજ વેકરીયાને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પટેલ યુવતી પર ખૂની હુમલાની આ ઘટનાને પગલે આજીડેમ પોલીસ મથકના પીઆઇ એ.બી.જાડેજા, એએઅસઆઇ હારૂૂનભાઇ ચાનીયા, રવીભાઇ વાંક, કિશન આહિર સહિતનો સ્ટાફે દોડી જઇ તપાસ હાથ ધરી છે. વુધ તપાસમાં જેના પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે તે પટેલ યુવતી હિનાના પિતા ખેતીકામ કરે છે યુવતી રોટલી વણવા જાય છે. યુવતી ત્રણ બહેન એક ભાઇના પરિવારમાં વચેટ છે. જયારે નીકુંજ વકરીયા એક ભાઇ એક બહેનમાં મોટો અને પ્લમ્બીંગ કામ કરે છે. નિકુંજના પાંચ વર્ષ પૂર્વે લગ્ન થયા હતાં.
બાદમાં તેને સરધારની હિના સાથે પ્રેમસંબંધ થયો હતો. આ વાતની જાણ નિકુંજની પત્નીને થઇ જતા બંને વચ્ચે સતત ઝઘડા ચાલતા હતા બાદમાં નિકુંજની પત્ની રિસામણે ચાલી ગઇ હતી. આજરોજ સવારના સુમારે નિકુંજ યુવતીના ઘરે ધસી આવ્યો હતો. તેણે હિનાને પોતાના છુટાછેડાની વાત ચાલતી હોય અને લગ્ન કરી લેવાની વાત કરી હતી. પરંતુ યુવતીએ છુટાછેડા થયા બાદ વાત આગળ વધારીશું તેમ કહેતા બંને વચ્ચે લગ્નની વાતને લઇ બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો. ત્યારબાર નિકુંજે ઉશ્કેરાઇ જઇ છરી કાઢી યુવતીને ગળાનાભાગે છરીનો ઘા મારી ખુદને પેટના છરીના ઘા ઝીંકી દીધા હતાં. આ અંગે આજીડેમ પોલીસ વિશેષ તપાસ ચલાવી રહી છે.