માણાવદરમાં 768 વિદેશી દારૂ ભરેલી કાર સાથે બુટલેગર ઝડપાયો
જૂનાગઢના માણાવદરમાં પોલીસે બાતમીના આધારે 2 લાખનો 768 બોટલ વિદેશી દારૂ ભરેલ કાર સાથે એક શખ્સની ધરપકડ કરી પુછપરછ કરતાં અન્ય બે શખ્સોના નામ ખુલ્યા છે. પોલીસે 6.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
માણાવદર પંથકમાં દારૂ-જુગારની પ્રવૃતિ ઉપર અંકુશ લગાવવા રેન્જ આઈજી નિલેશ જાજડીયાની સુચનાને પગલે માણાવદર પોલીસે બુટલેગરો ઉપર વોચ ગોઠવી હોય તે દરમ્યાન માણાવદરના સરદારગઢ રોડ ઉપર સ્વીફટ કાર નંબર જીજે 6 એફકે 6004ને અટકાવી તલાશી લેતાં કારમાંથી 2 લાખની કિંમતની 768 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ દારૂના જથ્થા સાથે પોલીસે માણાવદરના ગાયત્રી મંદિર પાસે રહેતા કારના ચાલક હિતેન ઉર્ફે યુવી તરૂણ રાવલ (ઉ.26)ની ધરપકડ કરી હતી.
પોલીસે દારૂ અને કાર સહિત 6.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલ હિતેનની પુછપરછમાં દારૂનો જથ્થો માણાવદરના લખન ઉર્ફે લખો અરજણ ઈછુડા અને સોહિલ ઉર્ફે બાપુડી સાદીકમીયા કાદરનો હોવાનું તપાસમાં ખુલતા બન્નેની ધરપકડ માટે પોલીસે તજવીજ હાથ ધરી હતી. દારૂ કયાંથી લાવ્યો તે અંગે વિશેષ તપાસ શરૂ કરવામાં આવી છે.રેન્જ આઈજી નીલેશ જીજડીયા, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા તેમજ કેશોદ ડીવાયએસપી બી.સી.ઠક્કરના માર્ગદર્શન હેઠળ માણાવદરના ઈન્ચાર્જ પીઆઈ પી.એ.જાદવ સાથે સ્ટાફના સુરેશભાઈ ગચ્ચર, પ્રધ્યુમનસિંહ જણકાટ, સીધ્ધાંતભાઈ નિમાવત, વિક્રમભાઈ કડછા, ધ્રુમિલભાઈ ખટારીયા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.