કારમાં ચોરખાના બનાવી બૂટલેગર દારૂ લાવ્યો પણ ખાખીથી બચ્યો નહીં
વલસાડનો શખ્સ દમણથી સારા બ્રાન્ડના ચપલા લઇ રાજકોટ સપ્લાય કરવા આવ્યો’તો
બૂટલેગરે પેટ્રોલ ટેન્ક, હેડ લાઇટ, સ્પેર વ્હિલ અને આર્મ્સ રેસ્ટમાં ચોરખાના બનાવ્યા હતા
બુટલેગરો દારૂૂની ફેરાફેરી કરવાં નવા નવા નુસખા અપનાવી રહ્યા છે પરંતુ તેની સામે પોલીસ પણ સજાગ હોય તેમ વલસાડના બુટલેગરે પોતાની કારમાં તમામ જગ્યા પર ચોરખાના બનાવી અને બાદમાં તેમાં દારૂૂની બ્રાન્ડેડ 375 બોટલ છુપાવી દીધી હતી.ત્યારે રાજકોટ શહેરની બી ડિવિઝન પોલીસની ટીમે સેટેલાઇટ ચોક પાસે ઓડિટોરિયમ હોલ પાસેથી જ આંતરી વલસાડના શખ્સને પકડી પાડ્યો હતો અને કારની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ગઈ હતી અને દારૂૂની બોટલ સહિત રૂૂ.3.77 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
વધુ વિગતો મુજબ,શહેર પોલીસ કમિશ્ર્નર બ્રજેશકુમાર ઝા,એડી સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજનસિંહ પરમાર, એસીપી આર.એસ.બારીઆએ દારૂૂ-જુગારની બદી નાબુદ કરવાની આપેલ સૂચનાથી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એસ.એસ.રાણેના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.બી.ચૌધરી ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં.ત્યારે સાથેના કોન્સ્ટેબલ વિશ્વજીતસિંહ ઝાલા, નરેશભાઈ ચાવડા, રાજદીપભાઈ પટગીર અને હાર્દિકભાઈ ગાજીપરા સહિતના સ્ટાફે દારૂૂ ભરેલ કાર ચોક્કસ બાતમીના આધારે સાથે અટકાવી કાર ચાલક ધર્મેશ છીબુ નાયકા (ઉ.વ.44), (રહે.ધરમપુર રોડ અબ્રામા જરણા પાર્ક પાસે સોનાદર્શન સોસાયટી પ્લોટ નંબર-74 વલસાડ) ની અટક કરી કારની અંદર પોલીસે તપાસ કરતાં કંઈ શંકાસ્પદ જોવાં મળ્યું ન હતું.
જે બાદ કારચાલકને પોલીસ મથકે લઇ જઇ સઘન પૂછતાછ કરતાં પકડાયેલ શખ્સે વટાણા વેરી દીધા હતા અને કબૂલાત આપી હતી કે કારમાં બુટલેગરે કારની પાછળની લાઈટની અંદર ચોરખાનું બનાવી તેમજ પેટ્રોલ ટેંકમાં,આર્મ્સ રેસ્ટની નીચે,તેમજ સ્પેર વ્હીલની જગ્યામાં પણ સંતાડેલો દારૂૂ કાઢી આપતાં બુટલેગરના નવા કિમીયા જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી.
પોલીસ સ્ટાફે બુટલેગર ધર્મેશ નાયકની ધરપકડ કરી અલગ અલગ બ્રાન્ડની 375 બોટલ દારૂૂ, કાર અને મોબાઈલ મળી કુલ રૂૂ.3.77 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની પૂછપરછ કરતા આરોપી દમણથી દારૂૂ લાવી અને રાજકોટ ડિલિવરી કરવાનો હતો જોકે આ બનાવમાં હાલ ધર્મેશને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
કારમાંથી દારૂ કાઢવા પોલીસને એક કલાક થયો !
બુટલેગરો દ્વારા દારૂ શહેરમા લાવવા માટે અલગ - અલગ કિમિયાઓ અજમાવી રહયા છે. ત્યારે બી ડીવીઝન પોલીસે વલસાડના શખ્સને કારમા ચોરખાનાં બનાવી સપ્લાય કરવા આવતા ઝડપી પાડયો છે આ ઘટનામા અલગ - અલગ પાંચેક ચોરખાનામાથી દારૂની બોટલો કાઢતા એક કલાક જેટલો સમય થયો હતો.