રાપરના કાનપર નજીક 229 કિલો પોષડોડાના જથ્થા સાથે બોલેરોચાલક ઝડપાયો
રાપરના કાનપર ગામથી ઉમૈયા તરફ જતા રોડ ઉપર સ્મશાન પાસે વોકળામાં બોલેરો ગાડીમાંથી પોલીસે રૂૂા. 8,99,400ના 229 કિલો પોષડેડાના જથ્થા સાથે ચાલકને પકડી પાડયો હતો. વાગડ પંથકમાં મોટી માત્રામાં પોષડેડા ઝડપાયાનો સંભવત: પ્રથમ બનાવ બહાર આવ્યો હતો. રાપરના હમીરપરથી ઉમૈયા જતા માર્ગ ઉપર માદક પદાર્થના કોથળા ભરીને વેચવા માટે ગાડી જતી હોવાની પૂર્વ અને સચોટ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. કાનપર ગામના સ્મશાન પાસે ઢાળ પાસે પોલીસ પહોંચતાં સામેથી બાતમીવાળી ગાડી આવતાં તેને કોર્ડન કરી લેવાઇ હતી.
પોલીસને જોઇને ચાલક નાસવાની કોશિશ કરતાં તેને ઝડપી લેવામાં આવ્યો હતો. કીડિયાનગરના ભરત રવજી કોળીને પકડી પાડી પીક-અપ બોલેરો ગાડી નંબર જીજે-39-ટી-4769ના ઠાંઠાંમાં તપાસ કરાતાં 15 કોથળા મળી આવ્યા હતા, જેને ખોલીને જોતાં તેમાં પોષડેડા હોવાનું આ શખ્સે કહ્યું હતું. દરમ્યાન એફ.એસ.એલ. અધિકારીને બોલાવી પૃથક્કરણ કરાતાં આ નમૂનાઓમાં સકારાત્મક પરિણામ આવતાં તે પોષડેડા જ હોવાનું બહાર આવ્યું હતું. દરમ્યાન આ શખ્સ પાસેથી 20-20 કિલોના, 18 કિલોના તથા 21 કિલોના એમ 15 કોથળામાંથી રૂૂા. 8,99,400ના 299 કિલો 8 ગ્રામ પોષડેડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
ગઇકાલે રાત્રે કીડિયાનગરના સવા દુદા ચાવડાએ તેને ફોન કર્યો હતો અને વરધીમાં જવાનું કહ્યું હતું. ભરત કોળી ગાડી લઇને પ્રાગપર ગયો હતો, જ્યાં બંને ત્યાંથી નીકળ્યા હતા, તેવામાં સવા ચાવડાએ ડેડા લેવાનું કહ્યું હતું. ફતેહગઢ પહેલાં કેનાલ પહેલાં ખાંડેક બાજુ જતા માર્ગ પાસે ગાડી ઊભી રખાવી અને માર્ગની બાજુમાં પડેલા કોથળા ભરીને ગાડીમાં નાખ્યા હતા. આ પોષડેડા પ્રાગપરમાં એક ખેતરમાં ખાલી કરવાના હતા, જ્યાં આ બંને જઇ રહ્યા હતા, તેવામાં કાનપર ગામ પહેલાં સવા ચાવડા ગાડીમાંથી ઊતરી ગયો હતો અને આ ભરત કોળી માલ લઇને જઇ રહ્યો હતો, તેવામાં તેને પોલીસે પકડી પાડયો હતો. કોના ખેતરમાં ડેડા ખાલી કરવાના હતા તથા માર્ગ પાસે કોથળા કોણ મૂકી ગયું હતું તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.