સલાયામાંથી ગુમ પૂજારીનો ખંભાળિયામાંથી મૃતદેહ મળ્યો
તેલી નદીના પુલ નીચેથી મળી લાશ: માનસિક અસ્વસ્થ હોવાનું આવ્યું બહાર
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલા એક મંદિરના પૂજારી આશરે પાંચેક દિવસ પૂર્વે લાપતા બન્યા બાદ મંગળવારે સવારે ખંભાળિયાના સિનેમા નજીકના નદીના પુલ નીચેથી તેમનો નિષ્પ્રાણ દેહ મળી આવ્યો હતો.
આ સમગ્ર પ્રકરણ અંગેની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલા રામ મંદિરના પૂજારી અશોકભાઈ શશીકાંતભાઈ મહેતા (ઉ.વ. 56) ગત તા. 14 થી લાપતા બન્યા હતા. જે અંગે તેમના પરિવારજનો દ્વારા તેમની શોધખોળ હાથ ધરી અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.
આ વચ્ચે મંગળવારે સવારના સમયે ખંભાળિયામાં વિજય સિનેમા રોડ ઉપર આવેલી તેલી નદીના પુલની નીચેના ભાગે એક મૃતદેહ પડ્યો હોવા અંગેની સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને પોલીસ સ્ટાફે આ સ્થળે દોડી જઈ અને મૃતદેહનો કબજો મેળવ્યો હતો.જેની તપાસમાં આ મૃતદેહ સલાયાના અશોકભાઈ મહેતા નામના અપરણિત પ્રૌઢનો હોવાનું ખુલવા પામ્યું હતું. જેથી પોલીસે મૃતદેહના પોસ્ટમોર્ટમ તેમજ પરિવારજનોના નિવેદન નોંધવા સહિતની જરૂૂરી કાર્યવાહી કરી હતી.
મૃતક પ્રૌઢને પરિવારમાં માત્ર એક ભાઈ જ હોવાનું તેમજ છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે અસ્વસ્થ હોવાનું પણ જાણવા મળ્યું છે. ઉપરોક્ત બનાવ અંગે મૃતકના પિતરાઈ ભાઈ ચંદનભાઈ મહેન્દ્રભાઈ મહેતા (ઉ.વ. 42) એ અહીંની પોલીસમાં જાહેર કરેલી વિગત મુજબ તેમના મોટા બાપુના દિકરા અશોકભાઈ ગત તારીખ 14 ના રોજ સલાયાના રામ મંદિરેથી કોઈને કહ્યા વગર જતા રહ્યા બાદ મંગળવારે સવારના સમયે ખંભાળિયાની તેલી નદીના પુલ નીચેથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.