ભાજપના ગીર-સોમનાથ જિલ્લા અને ઉના શહેર ઉપપ્રમુખ જુગારમાં પકડાયા
ઉનાના આંબાવાડી વિસ્તારમાં દરોડો પાડી 2.38 લાખ રોકડા, સાત મોબાઇલ જપ્ત કર્યા, આઠ શખ્સો ઝડપાયા
ઉનાના આંબાવાડી વિસ્તારમાં કઈઇ દરોડો પાડી જુગાર રમતા ગીર-સોમનાથ જીલ્લા અને ઉના શહેર ભાજપ ઉપપ્રમુખ સહિત આઠ શખ્સોને પકડી લઈ કુલ 2.65 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રાજકીય લોકોએ પોલીસ પર દબાણ લાવવાના પ્રયાસો કર્યા હતા પરંતુ તેમાં સફળતા મળી ન હતી.
ગીર-સોમનાથ એલસીબીના પીઆઈ એમ.બી. પટેલ, પીએસઆઈ એ.સી. સિંધવ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે ઉનાના અશોકનગર આંબાવાડી વિસ્તારમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે એલસીબીના સ્ટાફે આ સ્થળે દરોડો પાડી ગીર-સોમનાથ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુ કાના ડાભી, ઉના શહેર ભાજપ ઉપપ્રમુખ અલ્પેશ ધીરૂૂ ધકાણ, વેપારી વિમલ વેણીલાલ જવેરી, હરેશ વાલભાઈ ગોસ્વામી, ભાવિન ભીખુ કાનાબાર, કેયુર રમણીક લાખાણી, ચીમન રામજી વાઢેર અને ઝુંડવડલીના ખેડૂત અશોક હિંમત દોમડીયાને જુગાર રમતા પકડી લઈ 2,38,100 રોકડા, 7 મોબાઈલ મળી કુલ 2,65,600 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
રાજકીય આગેવાનો જુગાર રમતા પકડાતા તેઓએ પોલીસ પર ઉપરથી દબાણ લાવવાના પ્રયાસો કર્યા હતા જેથી પોલીસ અધિકારીઓના ફોન ધણધણ્યા હતા પરંતુ પોલીસ આ રાજકીય દબાણને વશ થઈ ન હતી અને આગેવાનો સહિતનાઓ સામે ઉના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.