ભાજપના મંત્રીના પુત્રો અને યુવા મોરચાના પ્રમુખે યુવાનને જાહેરમાં બેફામ માર માર્યો
વિડિયો વાઇરલ, મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમારના પુત્રો ફરી વિવાદમાં
મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમારનો પુત્ર વિવાદમાં સપડાયો છે.ભાજપના નેતા અને મંત્રીના પુત્રએ કાયદો હાથમાં લેતા બાઇક સવાર એક શખ્સને ઢોર માર માર્યો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયો છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં મોડાસાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારનો પુત્ર કિરણસિંહ અને રણજીત સિંહ તેમજ અરવલ્લી ભાજપ યુવા મોરચા પ્રમુખ અમીષ પટેલ અને તેમના સાગરિતો દ્વારા એક યુવકને જાહેરમાં ઢોર માર મારી રહ્યાં છે તેમજ અપહરણનો પ્રયાસ કરે છે.
વાયરલ વીડિયોમાં મોડાસાના ધારાસભ્યનો પુત્ર અને કેટલાક અન્ય શખ્સો એક કારમાં આવે છે અને પાછળથી આવતા બાઇક સવારને રોકીને તેને ઢોર માર મારવા લાગે છે. તે બાદ એક શખ્સ કારમાંથી બેટ અને લાકડી કાઢે છે અને યુવકને માર મારે છે. આ સાથે જ તેઓ ગાળો પણ બોલતા જોવા મળે છે.
વાયરલ થઇ રહેલા વીડિયોમાં તું મોટો ડોન થઇ ગયો છે તેમ કહીને યુવકને કેટલાક શખ્સ ઢોર માર મારી રહ્યાં છે અને પછી ગાડીમાં યુવકના અપહરણનો પ્રયાસ કરી રહ્યાં છે. કયા કારણોસર ભાજપના નેતા અને મંત્રીપુત્ર સહિતના શખ્સોએ કાયદો હાથમાં લેવાની ફરજ પડી તે જાણી શકાયુ નથી.આ વાયરલ વીડિયોને લઇને હજુ સુધી ફરિયાદ નોંધાઇ નથી.
રાજ્યના બહુચર્ચિત બીજેડ કૌભાંડમાં પણ મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ પરમાર અને અરવલ્લી ભાજપ યુવા મોરચા પ્રમુખ અમીષ પટેલનું નામ વહેતું થયું હતું. સુત્રો જણાવી રહ્યાં છે કે, ઇણ કૌભાંડના માસ્ટરમાઇન્ડ ભૂપેન્દ્રસિંહ ઝાલાના એક ટ્રસ્ટમાં મંત્રી પુત્ર કિરણસિંહ પરમાર અને ભાજપ યુવા મોરચા પ્રમુખ અમીષ પટેલ ટ્રસ્ટી સભ્ય તરીકે કામ કરતા હતા.