વાંકાનેરમાં ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખનો પાડોશી ઉપર હુમલો
છોકરાના ઝઘડામાં પાડોશી મહિલાની આંખમાં મરચું છાંટી માર માર્યાની ફરિયાદ
વાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાં રહેતા પાડોશીઓના છોકરાઓ વચ્ચે થયેલ બોલાચાલી બાબતે સારૂૂં નહીં લાગતા મહિલા તથા દિકરી પર પાડોશી માતા-પુત્રીએ આંખમાં મરચું છાંટી, ધોકા વડે હુમલો કરી માર મારી ફેક્ચર જેવી ઇજાઓ પહોંચાડતા આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં ભાજપ મહિલા મોરચાના હોદેદાર સહિત બે મહિલા સામે ગુનો નોંધાયો છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાં રહેતા રાજેશ્વરીબેન દિપકભાઈ પીપળીયાએ વાંકાનેર સીટી પોલીસમાં તેમના પાડોશમાં રહેતા જોશનાબેન અશોકભાઈ રાઠોડ તથા જોશનાબેનની મોટી દિકરી સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના દિકરાને આરોપીના દિકરા સાથે પતંગ-દોરા બાબતે ઝઘડો થયો હોય, જેનો ખાર રાખી ફરિયાદી માતા-પુત્રી પર બંને આરોપીઓએ પ્રથમ આંખમાં મરચું છાંટી બાદમાં ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો.
જેમાં ફરિયાદીને હાથમાં ફેક્ચર સહિતની ઈજાઓ પહોંચી હતી, જેથી આ મામલે વાંકાનેર સીટી પોલીસે બંને મહિલા આરોપી સામે બીએનએસ કલમ 115(2), 117(2), 54 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બનાવમાં આરોપી એવા જોશનાબેન રાઠોડ મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ તરીકે ચાલુ હોય, જેની સામે ફરિયાદ નોંધાતા રાજકીય ચર્ચાઓ તેજ બની છે.