ભાવનગર: પેટ્રોલ પુરાવતા યુવાન પર ત્રણનો હુમલો
રાજુલા તાલુકાના ચાંચબંદર ગામમાં રહેતો યુવાન નેસવડ ગામમાં આવેલ પેટ્રોલ પંપ ઉપર સ્કૂટરમાં પેટ્રોલ પુરાવવા ગયો ત્યારે પેટ્રોલ પુરવા બાબતે ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરતા યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર રાજુલા તાલુકાના ચાંચ બંદર ગામના વતની અને હાલ રમેશભાઈ જોળીયા રહે. માળીયા વાળાની વાડીએ રહેતા અને જેસીબીનું ડ્રાઇવિંગ કરતા યુવાન ભરતભાઈ પરબતભાઈ ગુજરીયા તેમના શેઠ રમેશભાઈની એક્સેસ ગાડી લઈને નેસવડ ગામ નજીક આવેલ ડુંડાસ ચોકડી પાસેના અભિષેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવવા માટે ગયા હતા જ્યાં પેટ્રોલ પુર્યા બાદ તેમની ગાડીમાં પેટ્રોલ આવ્યું ન હોવાનું જણાતા તેમણે પેટ્રોલ પૂરનાર વ્યક્તિને જાણ કરતા તેણે ફરીથી પેટ્રોલ પુરી આપ્યું હતું. તે દરમિયાન ત્યાં હાજર એક શખ્સે તેની સાથે માથાકૂટ કરતા તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારબાદ બે શખ્સ તેમની પાછળ આવ્યા હતા અને ફરીથી પેટ્રોલ પંપ પર બોલાવ્યા હતા અને ત્યાં હાજર હરેશ મગનભાઈ બારૈયા, કેશુ મગનભાઈ બારૈયા અને નવલ મગનભાઈ બારૈયા ( રહે. તમામ નેસવાડ તા.મહુવા ) એ ગાળો આપી લોખંડના પાઈપ વડે વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભરતભાઈ પરબતભાઈ ગુજરીયા એ ત્રણેય વિરુદ્ધ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.