ભાવનગર મનપાની ઢોર પકડ ટીમ પર પોલીસની હાજરીમાં હુમલો
અસામાજિક તત્વો લાકડી-ધોકા લઇ તૂટી પડયા, બે કર્મચારીને ગંભીર ઇજા થતા સારવારમાં ખસેડાયા : ત્રણ મહિનામાં ત્રીજો બનાવ
ભાવનગર શહેર માંથી રખડતા ઢોર પકડવા માટે ચિત્રા ફિલ્ટરની ટાંકી પાસે ગયેલી ભાવનગર મહાપાલિકાના કોન્ટ્રાક્ટરની ટિમ ઉપર કેટલાક શખ્સોએ લાકડીઓ અને ધોકા વડે હુમલો કરતા બે કર્મચારીઓને ઇજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસની હાજરીમાં હુમલાનો બનાવ બનતા ભારે ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરમાંથી રખડતા ઢોર પકડવા માટે મહાપાલિકા દ્વારા કોન્ટ્રાકટ આપેલો છે અને કોન્ટ્રાક્ટરની ટીમ વિવિધ વિસ્તારમાંથી રખડતા ઢોર પકડવાની કામગીરી કરે છે આજે સવારે કોન્ટ્રાક્ટરની ટીમ બે પોલીસ કોન્સ્ટેબલ અને કોર્પોરેશનના અધિકારી સાથે ચિત્રા ફિલ્ટરની ટાંકી પાસે રખડતા ઢોર પકડવા માટે ગયેલ અને ઢોર પકડવાની કામગીરી કરતા જ કેટલાક શખ્સો દોડી આવ્યા હતા અને કર્મચારીઓ સાથે બોલાચાલી કરીને અચાનક લાકડી અને ધોકા વડે હુમલો કર્યો હતો જેમાં કોન્ટ્રાક્ટરના બે કર્મચારી શિવભદ્રસિંહ ગોહિલ અને સંજયભાઈ મકવાણાને ગંભીર ઈજા થઈ હતી.
આ બનાવ ની જાન થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે સર ટી. હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસની હાજરીમાં આ બનાવ બનતા શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં છેલ્લા ત્રણ મહિનામાં ઢોર પકડવા ગયેલ કોર્પોરેશનની ટીમ ઉપર આ ત્રીજો હુમલા નો બનાવ છે.