ચાર વર્ષથી ફરાર ભાવનગરનો શખ્સ જયપુરમાંથી ઝડપાયો
ભાવનગરમાં પોલીસ મથકમાં ચાર વર્ષ પહેલાં નોંધાયેલ છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં ફરાર શખ્સની બોરતળાવ પોલીસે જયપુરમાંથી ધરપકડ કરી છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરમાં આવેલ બોરતળાવ મહાવીર મહિલા સોસાયટીમાં રહેતા અરુણભાઈ દવે અને તેના દીકરા ચેતનભાઇ અરૂૂણભાઇ દવે એ નિર્મળનગરમાં આવેલ હીરાના લે-વેચનો ધંધો કરતા અજયભાઈ જગદીશચંદ્ર પંડ્યાને વિશ્વાસમાં લઈને બે થી ત્રણ વખત હીરાની ખરીદી કરી હતી ત્યારબાદ તેમણે ઉધારમાં માલ આપશો તો સારી કિંમત અપાવીશું તેમ કહેતા તેની ઉપર વિશ્વાસ રાખી વર્ષ 2015 દરમિયાન હીરાનું વેચાણ કર્યું હતું તેના બદલામાં તેમણે કટકે કટકે થોડી રકમ ચૂકવી આપી હતી, જ્યારે બાકી રહેતી રકમ રૂૂ. 5,25,766/- અંગે અવારનવાર ઉઘરાણી કરવા છતાં આ રકમની ચુકવણી કરી ન હતી અને ખોટા કેસ કર્યા હતા. આ બનાવ અંગે અજયભાઈ જગદીશચંદ્ર પંડ્યા ( રહે. નીલકંઠનગર, ગાયત્રીનગર પાછળ, ઘોઘારોડ ભાવનગર ) એ અરૂૂણભાઇ દવે અને ચેતન અરૂૂણભાઇ દવે વિરુદ્ધ સ્થાનિક બોર તળાવ પોલીસ મથકમાં ગત તા. 6/8/2019 ના રોજ છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આ ગુનાના કામે ચાર વર્ષથી ફરાર ચેતન અરૂૂણભાઇ દવે હાલ જયપુરમાં હોવાની બાતમી મળતા બોરતળાવ પોલીસે ચેતન અરૂૂણભાઇ દવેને જયપુરમાંથી ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ આરોપીને જેલ હવાલે કરેલ છે. જ્યારે અરૂૂણભાઇ દવે ને આગોતરા જામીન મળ્યા હોવાનું જાણવા મળે છે.