ભડલી ગામે ચાર શખ્સોનો આતંક: પેટ્રોલ પંપમાં ઘૂસી તોડફોડ કરી
સવા મહિના પહેલાં ઉધારમાં ડીઝલ આપવાની ના પાડતા બનેલી ઘટના: ફોન પર ગાળો દઈ ધમકી આપી, ફરિયાદ કરવા જતા પાછળથી પંપમાં ઘૂસી તોડફોડ કરી લૂંટ ચલાવી
રાજકોટ જિલ્લામાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધતો જાય છે ત્યારે ઉધારમાં ડિઝલ આપવાની ના પાડતા અગાઉ થયેલા ડખ્ખાનો ખાર રાખી 4 શખ્સોએ જસદણના ભડલી ગામે આવેલ ન્યારા કંપનીના પેટ્રોલપંપમાં ઘુસી ધોકા-પાઈપ વડે આતંક મચાવી પેટ્રોલપંપમાં અને બોલેરો કારમાં તોડફોડ કરી પાંચ હજારની રોકડ રકમની લુંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી જવા પામી છે. આ સમગ્ર ઘટનાસીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ આટકોટ રોડ ઉપર ગંગાભૂવન શેરી નં. 7 માં રહેતા પેટ્રોલપંપના સંચાલક ભરતભાઈ મનુભાઈ જેબલિયા ઉ.વ.50એ જસદણ પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે બોટાદ ગામના પૃથ્વીરાજ આલ્કુભાઈ વાળા, ભડલીના ક્ષત્રપાલ મગલુભાઈ ધાંધલ, શિવકુભાઈ રામભાઈ પટગીર અને એક અજાણ્યા શખ્સનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સવા મહિના પહેલા ભડલીગામના રણુભાઈ જેઠસુરભાઈ ખાચરને ફરિયાદીએ ઉધારમાં ડિઝલ આપવાની ના પાડી હતી જેનો ખાર રાખીને ગત તા. 7-7-24ના રાત્રીના 9 વાગ્યાના અરસામાં ફરિયાદી પોતાના શિવરાજપુર ખાતે આવેલા પેટ્રોલપંપે બેઠા હતા ત્યારે આરોપી પૃથ્વીરાજ વાળાએ ફોન કરી બેફામ ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ફરિયાદીને ફોન ઉપર ધણકી મળતા તેઓ રાત્રીના પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયા હતા આ વખતે પૃથ્વીરાજ વાળા સહિતના ચારેય આરોપીઓ ફરિયાદીના ભડલી ગામ ખાતે આવેલ પેટ્રોલપંપ પર ધોકા પાઈપ જેવાઘાતક હથિયાર સાથે ધસી જઈ આખો પેટ્રોલપંપ તોડી નાખ્યો હતો અને ડિઝલના ડબલાના ઘા કરી દીધા હતા તેમજ ત્રણ ઓફિસના કાચનો ભુકો બોલાવી દીધો હતો. આ ઉપરાંત ટીવી, કોમ્પ્યુટર, પૈસા ગણવાનુ મશીન પણ તોડી નાખ્યું હતું. અને પંપમાં ધરમાદા પેટીમાં રહેલ પાંચ હજારની રોકડની લુંટ ચલાવી પેટ્રોલપંપની બહાર પડેલ ફરિયાદીની બલેનો કાર પણ તોડી નાખી હતી.
આ ઘટનાની ફરિયાદીને જાણ થતાં કંપનીના સંચાલકો સાથે વાતચીત કર્યા બાદ અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં દોઢ લાખનું નુક્શાન થયાનું જણાવ્યું છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.