થાર ભાડે લઇ ગયા બાદ પરત ન કરી ટ્રાવેલ્સ સંચાલક સાથે વિશ્ર્વાસઘાત
શહેરમાં કાર ભાડે લઇ પરત ન આપી છેતરપીંડી આચરવાના બનાવ વધી રહયા છે. ત્યારે વધુ એક બનાવમાં થાર ભાડે લઇ જઇ બાદમાં પરત ન આપી ટ્રાવેલ્સ સંચાલક સાથે વિશ્ર્વધાત કર્યાની ફરિયાદ માલવીયાનગર પોલીસ મથકમાં નોધાતા પોલીસે નાનામવા રોડ પર રહેતા શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ યુનિ.રોડ પર મંગલમ પાર્ક શેરી નં.2માં રહેતા અને પાનની દુકાન ચલાવતા જયદિપભાઇ ભરતભાઇ તન્ના ઉ.વ.30એ માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નાનામવા રોડ પર આરએમસી કવાર્ટરમાં રહેતા મોહીત કીશોરભાઇ કુકડીયાનુ નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ જીગજ્ઞેશભાઇ રાજયગુરુ સાથે પાર્ટનરમાં મવડી મેઇન રોડ પર ચામુડા ટ્રાવેલ્સના નામે ઓફિસ ધરાવી કાર ભાડે આપવાનો ધંધો કરે છે. ગત તા.8ના સાંજે આરોપી મોહીતનો ફોન આવેલો અને થાર ભાડે જોતી હોવાનુ જણાવ્યુ હતુ જેથી તેમણે એક દિવસનું રૂા.4 હજાર ભાડુ નક્કી કરી બે દિવસ માટે મોહીત મવડી રોડ પર આવેલી તેમની ઓફિસેથી થાર ભાડે લઇ ગયો હતો.
ત્યારબાદ બે દિવસ બાદ કાર પરત લેવા માટે મોહિતને ફોન કરતા તેણે હજુ એક દિવસ ભાડે જોઇએ છીએ હુ તમને એક દિવસનું ભાડુ મોકલાવુ છે. તેમ કહ્યુ હતુ ત્યારબાદ બીજાદિવસે ફોન કરતા હજુ એક દિવસ ભાડે જોઇએ છે તેમ જણાવ્યુ હતુ. ત્યારબાદ ત્રીજા દિવસે ફોન કરતા ‘હું આવતીકાર તમારી કાર મુકી જઇશ’ તેમ કહ્યુ હતુ ત્યાર બાદ અવાર નવાર ફોન કરતા તે બહાના બતાવતો હોય અને છેલ્લા 15 દિવસ ફોન સ્વીચઓફ કરી દેતા ફરિયાદીને તેની સાથે વિશ્ર્વધાત થયાનુ જણાય આવતા તેમણે માલવીયાનગર પોલીસ મથકમાં આરોપી મોહીત તેની રૂા.13 લાખની થાર કાર ભાડે લઇ ગયા બાદ પરત ન આપી વિશ્ર્વધાત કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.