ક્રિકેટ સટ્ટાના ડખ્ખામાં હવાલો લેનાર રાજદિપસિંહ અને પીન્ટુ ખાટડી સામે બદલો લેવા સોપારી અપાઈ હતી
રીબડા ફાયરિંગ પ્રકરણનો સૂત્રધાર હાર્દિકસિંહ પાંચ દિવસના રીમાન્ડ ઉપર, બે વખત ફાયરીંગમાં નિષ્ફળ ગયા બાદ ત્રીજી વખત ભડાકા કર્યા
રીબડામાં અનિરૂૂદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના જયદીપસિંહના પેટ્રોલપંપ ઉપર ગત તા 24 જુલાઈના રોજ ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહ જાડેજાનો ગોંડલ તાલુકા પોલીસે કબજો લઇ કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પ્રાથમિક પુછપરછમાં ચોંકાવનારો ખુલાશો થયો છે, સાત વર્ષ પૂર્વે ક્રિકેટ સટ્ટાના ડખ્ખામાં બુકી પુત્ર સાથે થયેલ ઝગડામાં રાજદિપસિંહ રીબડા અને પિન્ટુ ખાટડીએ હવાલો લીધો હોય અને ઝગડો કર્યો હોય જેથી બદલો લેવા બન્ને ઉપર ફાયરિંગનું કાવત્રું ઘડ્યું હતું પરંતુ બે વખત ફાયરીંગની યોજનામાં નિષ્ફળતા મળતાં આખરે સોપારી આપી તા 24 જુલાઈના રોજ અનિરૂૂદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલપંપ ઉપર શાર્પશૂટરો મારફતે ફાયરિંગ કરાવ્યું હતું.
મૂળ જામકંડોરણાના અડવાળના વતની અને રાજકોટની યુનિવર્સીટી રોડ ભીડ ભંજન સોસાયટી, શેરી નં-2માં રહેતા હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજા રાજકોટના બુકી રાજુ રૂૂપમના પુત્ર જય પોપટ સાથે અભ્યાસ કરતો હતો. જેને કારણે બંને મિત્રો પણ હતા. સાતેક વર્ષ પહેલાં 2018ની સાલમાં બંને વચ્ચે ક્રિકેટના સટ્ટા બાબતે બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી. આ મામલે જય પોપટે રીબડાના રાજદિપસિંહ જાડેજા અને પિન્ટુ ખાટડીને વાત કરતા જય પોપટ સાથે રાજદીપસિંહ અને પીન્ટુ ખાટડીએ તેને 150 ફૂટ રિંગ રોડ પર સમાધાનના બહાને બોલાવી રાજકોટના એક ફાર્મ હાઉસે લઇ જઈ મારકૂટ કરી હતી. ઉપરાંત બીજા દિવસે હાર્દિકસિંહ ઉપર હૂમલો પણ થયો હતો. જે હૂમલો થયો હતો જે અંગે અંગે તેણે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી. આ હુમલો રાજદિપસિંહ અને પિન્ટુ ખાટડીએ કરાવ્યાની હાર્દિકસિંહને પાકી ખાત્રી હતી. જે કારણથી હાર્દિકસિંહ રોષે ભરાયો હતો. ત્યાર પછી રીબડાના રાજદીપસિંહ અને રાજકોટમાં પિન્ટુ ખાટડી સામે બદલો લેવાનો પ્લાન બનાવ્યો હતો.
બન્ને ઉપર ફાયરિંગ કરાવવા તેણે ભાડુતીમારાઓને બે વખત મોકલ્યા હતા પણ બન્ને વખત યોજના પણ નિષ્ફળ ગઈ હતી. આખરે તેણે આગ્રાની હોટલમાં કાવત્રું રચી યુપીના આગ્રા ખાતે રહેતો બિપીનકુમાર અને વિરેન્દ્રસિંહ જાટ , અભિષેકકુમાર પવનકુમાર જીંદાલ, પ્રાન્સુકુમાર અગ્રાવાલ અને અમદાવાદના નામચીન ઈરફાન મહમદ રઈશને સોપારી આપી ગત તા 24 જુલાઈના રોજ રીબડામાં પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ કરાવ્યું હતું. ફાયરીંગ કરાવ્યા બાદ હાર્દિકસિહે આગ્રાની હોટલ માંથી પોતે ફાયરીંગ કરાવ્યાનો વિડીયો વાયરલ કર્યો હતો.પોલીસે જણાવ્યું કે રાજદિપસિંહ અને પિન્ટુ ઉપર ફાયરિંગની યોજના વખતે અલગ-અલગ ભાડુતી આરોપીઓ હતા. જયારે પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ વખતે અલગ આરોપીઓ હતા. આ ચારેય આરોપીઓ અગાઉ પકડાઈ ગયા છે. ગોંડલ તાલુકા પોલીસ મથકના પી.આઈ એ.ડી.પરમાર સાથે પીએસઆઈ આર.જે.જાડેજા અને તેમની ટીમ આ મામલે વધુ તપાસ શરુ કરી છે.
ભાડુતી મારાઓને હથિયાર અને બાઈક રાજકોટથી સપ્લાય થયા હતાં
ફાયરીંગ પ્રકરણમાં પોલીસે યુપીના બિપીનકુમાર અને વિરેન્દ્રસિંહ જાટ , અભિષેકકુમાર પવનકુમાર જીંદાલ, પ્રાન્સુકુમાર અગ્રાવાલ અને અમદાવાદના નામચીન ઈરફાન મહમદ રઈશની અગાઉ ધરપકડ કરી હતી. પકડાઈ ગયેલા શાર્પશૂટર સહિતને હથિયાર અને બાઈક હાર્દિકસિંહના માણસોએ સપ્લાય કર્યા હોવાનું સામે આવ્યું છે. હાર્દિકસિંહને કહેવાથી રાજકોટના શખ્સોએ શાર્પશૂટર સહિતને હથિયાર અને બાઈક સપ્લાય કર્યા હતા. જેમાં હથિયાર શાપર-વેરાવળથી અને બાઈક રાજકોટના કુવાડવા રોડ ઉપરથી સપ્લાય કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે ત્યારે શાર્પશૂટરને હથિયાર અને બાઈક કરનાર નામ જાણવા ગોંડલ તાલુકા પોલીસે તપાસનો દોર જારી રાખ્યો છે.