ખંભાળિયામાં કારમાંથી બિયરના ટીન ઝડપાયા: પરપ્રાંતિય શખ્સની અટકાયત
- અન્ય પાર્ટનરનું પણ નામ ખુલ્યું -
ખંભાળિયાના ગાયત્રીનગર વિસ્તારમાંથી ગઈકાલે શુક્રવારે મોડી રાત્રે સ્થાનિક પોલીસે દારૂ અંગેની કરેલી કાર્યવાહીમાં મધ્યપ્રદેશના એક શખ્સને બિયરના 54 ટીન તેમજ મોટરકાર સહિત કુલ રૂ. 1.61 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં ઝડપાયેલા શખ્સના પાર્ટનરનું પણ નામ ખુલવા પામ્યું છે.
ખંભાળિયા પોલીસ મથકના પી.આઈ. બી.જે. સરવૈયા દ્વારા સર્વેલન્સ સ્ટાફને આપવામાં આવેલા માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ડી.એ. વાળા તેમજ સ્ટાફ દ્વારા ગઈકાલે શુક્રવારે રાત્રે પેટ્રોલિંગ અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરીમાં પોલીસ કોન્સ્ટેબલ યોગરાજસિંહ ઝાલા તથા હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ જમોડ અને કાનાભાઈ લુણાને મળેલી ચોક્કસ બાતમીના આધારે અહીંના શક્તિનગર વિસ્તારમાં આવેલી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિની વાડી પાસેથી મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના વતની અને હાલના શક્તિનગર વિસ્તારમાં એક શાળા પાસે રહેતા અને મજૂરી કામ કરતા દિલીપ જેતુભાઈ ભીલ નામના 24 વર્ષના શખ્સને હ્યુન્ડાઇ સેન્ટ્રો મોટરકારમાં પ્લાસ્ટિકના બાચકામાં રાખવામાં આવેલા બિયરના 54 ટીન સાથે ઝડપી લીધો હતો.
આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 10,800 ની કિંમતના બિયરના જથ્થા તેમજ રૂપિયા દોઢ લાખની કિંમતની હ્યુન્ડાઈ સેન્ટ્રો કાર સહિત કુલ રૂપિયા 1,60,800 નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા દિલીપ ભીલ સાથે ખંભાળિયામાં કણજાર ચોકડી પાસે રહેતા નાથા ભરવાડ નામના શખ્સ દ્વારા ભાગીદારીમાં ઉપરોક્ત બિયરનો જથ્થો તેઓએ વેચાણ અર્થે લીધો હોવાનું જાહેર થયું છે. જેથી ખંભાળિયા પોલીસે નાથા ભરવાડને હાલ ફરાર ગણી તેની શોધખોળ હાથ ધરી છે. જે અંગે ખંભાળિયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. બી.જે. સરવૈયા, પી.એસ.આઈ. ડી.એ. વાળા, હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ જમોડ, યોગરાજસિંહ ઝાલા, કાનાભાઈ લુણા અને અરજણભાઈ આંબલીયા દ્વારા કરવામાં આવી હતી.