મેટોડામાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા બનાસકાંઠાના શખ્સની ધરપકડ
મકર સંક્રાતિ નજીક આવતા જ રાજ્યભરની પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ કરનારને શોધી કાઢવા અને તેની સામે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂૂ કરી દીધી છે.ત્યારે મેટોડામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરનાર મૂળ બનાસકાંઠાના શખસને પોલીસે ઝડપી લઇ તેની પાસેથી ચાઇનીઝ દોરીની ફિરકી કબજે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મળતી વિગતો મુજબ,મેટોડા જીઆઇડીસી પોલીસ મથકના પીઆઇ એસ. એચ. શર્માની રાહબરીમાં હેડ કોન્સ. યોગીરાજ સિંહ જાડેજા અને કોન્સ. ચંદ્રરાજસિંહ રાણા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન એવી બાતમી મળી હતી કે, મેટોડા જીઆઇ ડીસી ગેઇટ નં.3 ની બાજુમાં વિશાલ ચૌધરી નામનો શખસ ચાઇનીઝ દોરીનું વેચાણ કરે છે.જેથી પોલીસની ટીમ તાકીદે અહીં પહોંચી હતી.બાદમાં આ શખસની પુછતાછ કરતા તેણે પોતાનું નામ વિશાલ જીવરાજભાઇ કાદળી(ઉ.વ 19 રહે. હાલ મેટોડા જીઆઇડીસી ગેઇટ નં.2 મૂળ ઉચૌસણ તા. સુઇગામ, બનાસકાંઠા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ શખસની અંગ જડતી તેની એક કાળા કલરની પ્લાસ્ટીકની થેલી હોય તેમાંથી ચાઇનીઝ દોરીની ફિરકી મળી આવી હતી.જેથી પોલીસે આ શખસ વિરૂૂધ્ધ જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.