પોલીસમેનની હત્યામાં તાજના સાક્ષી પર હુમલો કરનાર ટોળકી વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો
શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતી જણાય છે.ત્યારે થોડા દિવસ પહેલા કોઠારીયા ગામમાં ગોકુલ પાર્ક શેરી નં.03 માં રહેતાં રમેશભાઈ દેવરાજભાઇ ગજેરા (ઉ.વ 42) એ નોંધાવેલ ફરીયાદમાં પોલીસમેન ભરત ગઢવીનું મર્ડર કરનાર નામચીન રાજો જાડેજા, ચિરાગ બકાલી, ચંદ્રેશ ઉર્ફે ચાંદો ગોહેલ, મિલન બાવાજી, દિનેશ કાંચો, પિયુષ સોલંકી, મનિયો મિસ્ત્રી, છોટુ અને એક અજાણ્યા શખ્સનું નામ આપતાં ભક્તિનગર પોલીસે બીએનએસ એક્ટ 118(2),118(1), સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી અને તમામ આરોપીને સકંજામાં લીધા હતા.આ ઘટનામાં પીઆઇ એમ.એમ.સરવૈયા,રાઇટર નિલેશભાઈ મકવાણાએ આ ઘટનામાં હત્યાના પ્રયાસની કલમ 109 ઉમેરવામાં આવી છે.
ફરિયાદીએ જણાવ્યું હતું કે,તેઓ તેના મિત્ર દિવ્યેશભાઈ, દેવ ટાંક સહિતના મિત્રો કામ અર્થે ગોંડલ ચોકડી ખાતે દિવ્યેશભાઈની કાર લઇ ગયા હતા.જે ગાડીમાં પાંચેય હુડકો બસ સ્ટેન્ડની સામે આવેલ ખોડીયાર ચા ની હોટલે ચા પીવા ગયા હતા. દરમિયાન તેમને ઘરે જવાનું મોડું થતુ હોય જેથી ચા પીવાની ના પાડતા બધા મિત્રો ચા પાણી પીધા વગર હોટલથી ઘરે જતા હતા.ત્યારે થોડે આગળ કોઠારીયા રોડ ફાયર સ્ટેશન થી આગળ કનૈયા ડેરીએ દુધ લેવા ગાડી ધીમી પાડેલ ત્યારે પાછળથી રાજો જાડેજા, ચિરાગ ઉર્ફે બકાલી, અજાણ્યો શખ્સ તેમજ બીજા બાઈક પર ચંદ્રેશ ઉર્ફે ચંદો ગોહેલ, મિલન બાવાજી, દિનેશ કાંચો અને ત્રીજા બાઇકમાં પીયુષ સોલંકી, મનીયો મિસ્ત્રી અને છોટુ બેઠા હતાં.
ત્યારે રાજા જાડેજાએ કહ્યું કે,તું ગાડી ઉભી રાખ અને રમેશને ઉતારી તું નીકળ તેની સાથે માથાકુટ કરવી છે તેમ કહેતા દિવ્યેશે ના પાડી ગાડી ધીમે ધીમે જવા દેતા રાજાએ કાચની બોટલ મારી ડ્રાયવર સાઇડનો કાચ ફોડી નાખેલ અને હાથ નાંખી ચાવી કાઢી લીધી હતી.
તેમજ દિવ્યેશને બકાલીએ છરીથી હાથમાં ઘા ઝીંક્યા હતાં.દેવ ટાંકને પણ રાજા જાડેજાએ છરીનો ઝીંકતા મારામારીના કારણે દેકારો થતો હોય જેથી રોડ પર માણસો ભેગા થવા લાગતા રાજાએ કહેલ કે, હવે આગળ કોઈ મારા કેસમાં નડતો નહી નહીતર મારી નાખીશ તેવી ધમકી આપી ભાગી ગયેલ હતા. બાદમાં ફરિયાદી અને તેમના બે મિત્રોને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડાયા હતાં. તેમજ ભરત ગઢવીનું મર્ડર કરવામાં આવ્યું હોય તેમાં તેમનો નાનો ભાઇ જીગ્નેશ નજરે જોનાર તાજનો સાક્ષી હોય જેણે રાજા વિરુધ્ધ કોર્ટમાં જુબાની આપી હોય જેનો ખાર રાખી અગાઉ હુમલો કરાયો હતો.આ મામલે ભક્તિનગર પીઆઇ એમ.એમ.સરવૈયા અને રાઇટર નિલશભાઈ મકવાણા સહિતના સ્ટાફે આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમ 109નો ઉમેરો કર્યો હતો.