For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરતમાં ગણપતિ મહોત્સવ પૂર્વે શાંતિમાં પલિતો ચાંપવાનો પ્રયાસ

05:19 PM Aug 23, 2025 IST | Bhumika
સુરતમાં ગણપતિ મહોત્સવ પૂર્વે શાંતિમાં પલિતો ચાંપવાનો પ્રયાસ

અંધારામાં ટોળકીએ ગણપતિ મહોત્સવના અને દુકાનોના બેનર-વાહનોમાં તોડફોડ કરતા તંગદિલી, અંગત અદાવતમાં બનેલી ઘટના, બે શખ્સો ઝડપાયા

Advertisement

અન્ય એક ઘટનામાં ખટોદરા વિસ્તારમાં ગણપતિજીની 15 જેટલી પ્રતિમાઓની આંગળીઓ તોડી નાખી; આરોપીઓને શોધવા પોલીસ ધંધે લાગી

સુરતમાં ગણપતિ મહોત્સવનાં પ્રારંભ પુર્વે જ શાંતિમા પલિતો ચાંપવાનો હિન પ્રયાસ કરવામા આવ્યો છે. ગુરૂવારે મોડી રાત્રે ડો. હેડગેવાર નગરમા કેટલાક શખ્સોએ અંગત અદાવતના કારણે ગણપતિ બાપાના આગમનને વધાવતા બેનરોમા તોડફોડ કરી હતી તેમજ બીજી એક ઘટનામાં 15 જેટલી ગણપતિજીની પ્રતિમાઓની આંગળીઓ તોડી નાખતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. જો કે , પોલીસે ઘટનાની ગંભીરતા સમજી સીસીટીવી ફૂટેજનાં આધારે બેનરમાં તોડફોડની બે ઘટનામા બે હિંદુ યૂવકોને ઝડપી લઇ અંગત અદાવતમા બનેલી ઘટનાનો પર્દાફાશ કર્યો હતો.જયારે ગણપતિજીની પ્રતિમાઓની આંગળીઓ તોડી નાખવાની ઘટનાનાં આરોપીઓને પકડવા જીણવટભરી તપાસ શરૂ કરી છે.

Advertisement

બેનરમા તોડફોડની આ ઘટના પાછળનું કારણ એક સામાન્ય તકરાર હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આપેલી માહિતી અનુસાર થોડા સમય પહેલાં ગણેશની શોભાયાત્રા દરમિયાન ડીજેમાં ગીતો વગાડવા બાબતે બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ તકરારની અદાવત રાખીને કેટલાક અસામાજિક તત્વોએ ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. ગણપતિ બાપાના બેનરો ફાડીને અસામાજિક તત્વો દ્વારા ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ થતાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. બેનરો ફાડનાર અસામાજિક તત્વો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા, જેમાં તેઓ બાબાસાહેબ આંબેડકર સહિતના અન્ય બેનરોને પણ ફાડતા નજરે પડ્યા હતા. આરોપીઓએ માત્ર સોસાયટીના પોસ્ટર જ નહીં પરંતુ નજીકમાં આવેલી દુકાનોના પોસ્ટર પણ ફાડી નાખ્યા હતા. આ ઉપરાંત તેમણે એક ટેમ્પો અને એક ઓટો રિક્ષામાં પણ તોડફોડ કરી હતી. જેના કારણે લોકોમાં ભય ફેલાયો હતો.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગણપતિ બાપાના બેનરો ઉપરાંત, ડો. બાબાસાહેબ આંબેડકર સહિત કેટલીક સ્થાનિક દુકાનોના બેનરોને પણ ફાડી નાખવામાં આવ્યા હતા. આ કૃત્ય કરનારા અસામાજિક તત્વો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. આ સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી અને ગણતરીના કલાકોમાં શૈલેષ બારીયા અને શિવા નાઈક નામના બે શખસોની કરી હતી. પોલીસે આ બંને સામે ધાર્મિક લાગણી દુભાવવા અને તોડફોડ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ ઘટનાના એક દિવસ પહેલા 10-15 ગણેશ પ્રતિમાઓની આંગળીઓ તોડી નાખવામા આવી હતી. આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવા માટેની કવાયત શરૂૂ કરી દેવામાં આવી છે. આ ઘટના એવા સમયે બની છે, જ્યારે ગુરુવારે સુરતના ખટોદરા પોલીસ મથકમાં ગણેશ મૂર્તિ વર્કશોપમાં 10-15 ગણેશ પ્રતિમાઓની આંગળીઓ તોડવાની ઘટના અંગેની તપાસ ચાલી રહી છે.

ગત વર્ષે પણ કોમી તંગદિલી ફેલાયેલ
ઉલ્લેખનીય છે કે , ગત વર્ષે સુરતના સૈયદપુરામાં વરિયાવી ચા રાજા તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર લઘુમતી સમુદાયના 6 કિશોરોએ 8 સપ્ટેમ્બર, 2025ના રોજ રાતના 9 વાગ્યા પછી પથ્થરમારો કરી તંગદિલી સર્જી હતી. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી. પોલીસે લાઠીચાર્જ અને ટીયરગેસના સેલ છોડી મોડી રાત્રે 2 વાગ્યે પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી ત્યાર બાદ ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી મામલો શાંત પાડવામાં આવ્યો હતો અને પોલીસ બંદોબસ્ત વચ્ચે ગણપતિ દાદાની આરતી કરવામા આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement