મોટામવામાં ધાક જમાવવા લુખ્ખાઓ દ્વારા પોલીસને દબાવવાનો પ્રયાસ
સરપંચની હત્યામાં જામીન મુકત થયેલા ભરવાડ શખ્સે ત્રણ ભાડૂતી માણસોને મોકલી વેપારીના પગ ભંગાવી નાખ્યા
પોલીસ તપાસમાં સત્ય બહાર આવતા કોર્ટમાં પોલીસે માર માર્યાના આરોપ લગાવ્યા
રાજકોટના મોટામવાના સરપંચની હત્યામાં સંડોવાયેલ કુખ્યાત શખ્સે મોટામવામાં ફરી ધાક જમાવવા માટે ત્રણ ભાડુતી માણસોને મોકલી વેપારી ઉપર હુમલો કરાવ્યાની ઘટનામાં તાલુકા પોલીસે સત્ય બહાર લાવતા આ લુખ્ખાઓએ પોલીસને દબાવવા માટે કોર્ટમાં ખોટા આરોપ લગાવ્યા હતા. આ મામલે તાલુકા પોલીસ મથકના પી.આઈ ડી.એમ.હરીપરા અને તેમની ટીમે કોણ પણ શેહ શરમ વિના કાર્યવાહી કરી મોટામવા વિસ્તારમાં ધાક જમાવવા કાવતરું રચનાર સામે ગુનો દાખલ કરી આવા લુખ્ખાઓને સાનમાં સમજી જવા તાકીદ કરી છે.
મવડી ગામમાં આલાપ મેઇન રોડ બંસરી પાર્કમાં રહેતા કોન્ટ્રકર મહેશભાઇ વલ્લભભાઇ મેઘાણી (ઉ.વ.42) (પટેલ) નામના યુવાન ઉપર ગત તા 18/11ના રોજ હુમલો થયો હતો. મહેશ ગાંડુ વકાતર અને તેની સાથેના અજાણ્યા ત્રણ શખ્સો સામે આ મામલે તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. એકાદ મહીના પહેલા મહેશ ગાંડુ વકાતર, ગાંડુ વકાતર સાથે મિત્ર સતિષ ગમારાની સાથે મહેશભાઇને ઉઠક બેઠક હોય જેનો ખાર રાખી મહેશ વકાતરને સતીષ ગમારા સાથે અગાઉની અદાવત હોય જેના લીધે મહેશ ગાંડુ વકાતર તથા ગાંડુ વકાતરે ઝઘડો કર્યો હતો. 18/11ના રોજ મહેશભાઇ મેઘાણી પોતાનું વાહન લઇને સરદાર ચોકથી પસાર થતા હતા ત્યારે એક એકટીવાના ચાલકે ઠોકર મારી મહેશભાઇને પછાડી દીધા હતા અને પાઇપ અને ધારીયા વડે હુમલો કરી પગ ભાગી નાખ્યા હતા. આ લોકો બોલતા હતા કે અમોને કહીને મોકલ્યા છે કે તને મારી જ નાખવો છે કહી ધમકી આપી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા.
ત્રણ શખ્સો હોન્ડા અને એક્ટિવા પર આવ્યા હતા. ટોળું ભેગું થઈ જતા આરોપીઓ હોન્ડા ઘટનાસ્થળે મૂકીને જ ભાગી ગયા હતા. પોલીસે નંબર પ્લેટ વિનાનું આ હોન્ડા કોનું છે તેની તપાસ કરતા તે ગેલા વકાતરનું હોવાનું ખુલ્યું હતું. પૂછપરછ કરતા તે હોન્ડા ગેલાનો પુત્ર શનિ લઈ ગયાનું જાણવા મળતા પોલીસે શની ભરવાડની ધરપકડ કરી તાલુકા પોલીસ મથકના પી.આઈ ડી.એમ.હરીપરા સહિતના સ્ટાફે તપાસ કરી સંત કબીર રોડ વિસ્તારમાં રહેતા અજિત જાદવ સાનિયા(ઉ.વ.19), પ્રિન્સ મુળુ જાદવ(ઉ.વ.18) અને શનિ ગેલા વકાતર(ઉ.વ.27)ની ધરપકડ કરી હતી. મહેશ વલ્લભભાઈ મેઘાણી ઉપર હુમલો થયો ત્યારે અગાઉ ઝઘડો થયો હોય તેનો ખાર રાખીને વળતો હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તબ્બકે જાણવા મળ્યા બાદ પી.આઈ ડી.એમ.હરિપરાએ પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી.
સરપંચ મયુર શીગાળાની હત્યામાં સંડોવાયેલ અને હાલ જામીન ઉપર છુટેલા નામચીન મહેશ વકાતરે મોટામવા સહિતના આસપાસના વિસ્તારમાં પોતાનું ફરી વર્ચસ્વ જમાવવા માટે અજિત જાદવ સાનિયા, પ્રિન્સ મુળુ જાદવ અને શનિ ગેલા વકાતરને અઢી લાખની સોપારી આપવામાં આવી હતી.તાલુકા પોલીસે કુલ ચાર આરોપી સામે કાવતરાની કલમનો ઉમેરો કરવા કોર્ટમાં રિપોર્ટ કર્યો અને મહેશ વકાતર અને સોપારી લેનાર ત્રણેયને જયારે કોર્ટમાં રજૂ કરાયા ત્યારે આ ટોળકીએ પોલીને દબાવવા માટે પી.આઈ ડી.એમ.હરિપરા અને પોલીસમેન મહેશ મંઢ દ્વારા તેમને માર માર્યાનો આક્ષેપ કરતી અરજી પણ કરી છે. મયૂર શિંગાળા હત્યા કેસમાં જામીન ઉપર છુટેલા અને સોપારી આપનાર મહેશ વકાતર અંગે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, મહેશ વકાતરે મોટામવા વિસ્તારમાં ફરીથી ધાક જમાવવા માટે કાવતરું રચી અજિત જાદવ સાનિયા, પ્રિન્સ મુળુ જાદવ અને શનિ ગેલા વકાતરને અઢી લાખ રૂૂપિયાનું દેણું ભરવાની ખાતરી આપી હતી. બદલામાં મહેશ મેઘાણીના હાથ પગ ભાંગી નાખવાનો સોદો થયો હતો.
જમીનના ભાવ વધતા લુખ્ખાઓની દાનત બગડી
રાજકોટમાં હાલના તબક્કે વિકાસ પામતા મોટામવા વિસ્તારમાં જમીનના ભાવ વધી રહ્યા છે. ત્યારે આ વિસ્તારમાં મોટા પ્રોજેક્ટ આકાર લઇ રહ્યા છે ત્યારે લુખ્ખોની દાનત બગડી છે અને આ વિસ્તારના બિલ્ડરો અને વેપારીઓ ઉપર ધાક જમાવવા માટે આ સમગ્ર ખેલ ખેલાયો હતો. સરપચની હત્યામાં સંડોવાયેલ કુખ્યાત શખ્સે ત્રણ ભાડુતી માણસોને સોપારી આપી પાટીદાર ધંધાર્થીને ટાર્ગેટ કર્યા હતા. પોલીસે નિષ્પક્ષ તપાસ કરી તઠસ્ત તપાસ કરી સત્ય બહાર લાવતા પોલીસને પણ દબાવવા માટે પોલીસે મારમાર્યાનો ખોટો આરોપ લગાવ્યો હતો.આવા લુખ્ખાઓને ઉગતા જ ડામી દેવા માટે પોલીસે કડક કાર્યવાહી કરી હતી.