મોરબીમાં પૈસાની લેતી-દેતી મુદ્દે ધોકા વડે હુમલો: એક મહિલા સહિત બે ઘવાયા
ઇજાગ્રસ્તોને રાજકોટની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
મોરબીના નવલખી રોડ સ્થિત યમુનાનગર વિસ્તારમાં પૈસાની લેતી-દેતીના મુદ્દે હિંસક ઘર્ષણ સર્જાયું છે. આ ઘટનામાં બે પક્ષો વચ્ચે થયેલી મારામારીમાં એક યુવક અને એક મહિલા ઘાયલ થયા છે. વિશ્વાસ કાનજીભાઈ પાટડિયા (30) નામના યુવક પર હમલો કરીને લાકડી અને ધોકા વડે ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી છે. જયદીપભાઈ, જયશ્રીબેન અને અમિતભાઈએ આ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.
ગંભીર ઈજાઓને કારણે વિશ્વાસને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. સામેના પક્ષે અંજનાબેન જયદીપભાઈ આલ (35)ને પણ ઈજાઓ થતાં તેમને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. બે દિવસ પહેલા પૈસાની લેતી-દેતીને લઈને બંને પક્ષો વચ્ચે વિવાદ થયો હતો. વિશ્વાસ પોતાનો સામાન લેવા મકાન પર ગયો ત્યારે ફરી ઝઘડો થયો હતો. જોકે, રાજકોટમાં સારવાર લઈ રહેલા વિશ્વાસના જણાવ્યા મુજબ, પોલીસને બાતમી આપવાની વાતને લઈને આ ઝઘડો થયો હતો. બી ડિવિઝન પોલીસ મથકના વી.જે.સિચણાદા ઘટનાની તપાસ કરી રહ્યા છે. ઝઘડાનું ખરું કારણ જાણવા માટે પોલીસ વધુ તપાસ કરી રહી છે.