કોઠારિયા સોલવન્ટમાં જૂની અદાવતમાં યુવાન પર હુમલો
યુવાનને બચાવવા વચ્ચે પડેલા યુવકના ભાઇ અને માતા પણ ઇજાગ્રસ્ત: ગોંડલ રહેતા પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો
મુળ ગોંડલના અને હાલ કોઠારીયા સોલવન્ટ શિતળાધાર પચ્ચીસ વારીયામાં સરદાર ગૌશાળા પાછળ રહેતાં મુળ ગોંડલના રોહિત કાનાભાઇ સોલંકી (ઉ.વ.25) નામના બકાલાના ધંધાર્થી યુવાનની ફરિયાદ પરથી ગોંડલ રહેતાં કિશોર વાઘેલા, હાજા વાઘેલા, વિજય વાઘેલા, વિક્રમ વાઘેલા અને રાહુલ વિરૂૂધ્ધ રાયોટીંગ, હુમલાનો ગુનો નોંધ્યો છે. જુના મનદુ:ખનો ખાર રાખી આ શખ્સોએ ગોંડલથી રાજકોટ કાર મારફતે આવી મંડળી રચી ધોકા-પાઇપ-છરીથી હુમલો કર્યો હતો. જેમાં રોહિત તેમજ તેના ભાઇ, માતાને પણ ઇજા પહોંચી હતી.
રોહિત સોલંકીએ જણાવ્યું છે કે હું ગોંડલ બાલાશ્રમ રોડ સરકારી હોસ્પિટલ પાસે રહેણાંક ધરાવું છુ અને મુળ ત્યાંનો વતની છું. હાલ રાજકોટ કોઠારીયા સોલવન્ટમાં પરિવાર સાથે રહી શાકભાજી વેંચી ગુજરાન ચલાવું છું. ગુરૂૂવારે રાતે સાડા નવેક વાગ્યે હું અને પરિવારના સભ્યો જમવાની તૈયારી કરતાં હતાં ત્યારે ઘર પોસે શેરીમાં કાર ઉભી રહી હતી. તેમાંથી ગોંડલના કિશોર વાઘેલા, હાજા, વિક્રમ, રાહુલ અને જયલો ધોકા-પાઇપ-છરી સાથે ઉતર્યા હતાં અને જોર જોરથી ગાળો બોલી દેકારો મચાવ્યો હતો. હું અવાજ સાંભળી બહાર ગયો હતો અને આ લોકોને ગાળાગળી નહિ કરવા સમજાવ્યા હતાં. પણ વિક્રમ, વિજયએ ઉશ્કેરાઇ જઇ મને ઢીકાપાટુ મારી ઝપાઝપી ચાલુ કરી હતી.
હાજાએ લોખંડના પાઇપનો ઘા મારા માથામાં ફટકારી દીધો હતો અને જયલાએ ધોકાના ઘા હાથ પર મારી દીધા હતાં. રાહુલે છરીથી હુમલો કરી જમણી આંખ નીચે ઘા મારી દીધો હતો. દેકારો થતાં મને છોડાવવા માટે મારો ભાઇ આશિષ (ઉ.વ.22) વચ્ચે પડતાં તેને પણ વિજયે છરી કાઢી મારતાં તેણે હાથ આડો રાખી દેતાં કોણી પાસેઈજા થઇ હતી.
બાદમાં મારા માતા ભનીબેન અમને છોડાવવા આવતાં તેની સાથે પણ આ શખ્સોએ ઝપાઝપી કરી હતી. બાદમાં કિશોર વાઘેલાએ મને અને મારા પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી.
આસપાસના માણસો ભેગા થઇ જતાં આ શખ્સો કારમાં ભાગીગયા હતાં. મને માથામાં લોહી નીકળતું હોઇ આંખ નીચે પણ ઇજા થઇ હોઇ 108 બોલાવી મારા ભાઇએ હોસ્પિટલમાં ખસેડયો હતો. આ હુમલાનું કારણ એ છે કે વીસેક દિવસ પહેલા અમારે કિશોર વાઘેલાના સગા ભાઇ સંજય વાઘેલા સાથે ગોંડલ ખાતે બોલાચાલી થઇ હતી. અમારા છોકરાનું પાંચ રૂૂપિયાનું રમકડુ પડાવી લેતાં સંજય સાથે ઝઘડો મારામારી થયા હતાં. એ પછી અમે રાજકોટના મકાને આવી ગયા હતાં. જુના મનદુ:ખનો ખાર રાખી સંજયના ભાઇ કિશોર સહિતે રાજકોટ ખાતે આવી ટોળકી રચી હુમલો કર્યો હતો અને ખૂનની ધમકી આપી હતી. તેમ વધુમાં રોહિતે કહેતાં પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ પી. એચ. પઢેરીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
