પ્રેમ પ્રકરણમાં આપઘાત કરનાર પરિણીતાના ભાઈ સહિતનાનો પ્રેમી અને તેના પિતા ઉપર હુમલો
શાપરનાં પારડીની ઘટના; પ્રેમિકાએ એક માસ પૂર્વે જ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ‘તું
શાપર નજીક આવેલા પારડી ગામે પ્રેમ પ્રકરણમાં આપઘાત કરનાર પરિણીતાના ભાઈ સહિતના શખ્સોએ બહેનના પ્રેમિ અને તેના પિતા ઉપર છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા પિતા-પુત્રને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપર નજીક આવેલા પારડી ગામે ગાયત્રી પાર્કમાં રહેતાં હિતેશ ચંદ્રકાંતભાઈ રાઠોડ (ઉ.29) અને તેના પિતા ચંદ્રકાંતભાઈ દયાળજીભાઈ રાઠોડ (ઉ.62) રાત્રિના અગિયારેક વાગ્યાના અરસામાં ઘર પાસે હતા ત્યારે હર્ષદ, અભી, માણેકવાળાના મિલન સોંદરવા અને હસુ સોંદરવા સહિતના શખ્સોએ ઝઘડો કરી છરી અને ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા પિતા-પુત્રને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
પ્રાથમિક પુછપરછમાં હુમલામાં ઘવાયેલા હિતેશ રાઠોડને હુમલાખોરની બહેન હેતલ સાથે પ્રેમ સંબંધ હતો. હિતેશના છુટાછેડા થઈ ગયા હતાં. જ્યારે હેતલબેન પરિણીત હતી. પ્રેમ પ્રકરણમાં હેતલબેને એક માસ પૂર્વે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે પ્રેમ પ્રકરણના કારણે હેતલબેનના ભાઈ સહિતના શખ્સોએ બહેનના પ્રેમી અને તેના પિતા ઉપર હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે શાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.