લીંબડીના મોટી કઠેચીમાં જુગારની બાતમી આપ્યાની શંકાએ જીઆરડી જવાન ઉપર હુમલો
લીંબડીના મોટી કઠેચી ગામે જુગારના દરોડામાં જુઆરડી જવાને બાતમી આપ્યાની શંકાએ સાત શખ્સએ જીઆરડી જવાન ઉપર હુમલો કર્યો હતો. આ બનાવમાં સાત શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. લીંબડી તાલુકાના મોટી કઠેચી ગામે તા.6 ઓક્ટોબરની રાતે પોલીસ ટીમે જીઆરડી જવાનોને સાથે રાખીને બાતમીના સ્થળે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતાં કિરણ ભગોદરિયા, પરષોત્તમ ઝેઝરિયા, કાંતિ ધોરાળિયા સાથે એક સગીરને ઝડપી પાડ્યા હતા. ચારેય જુગારીયાને પાણશીણા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.
દરોડામાં સામેલ જીઆરડી જવાન અલ્પેશભાઈ કઠેચિયા દરોડાની જગ્યાએ મૂકેલું બાઈક લેવા ગયા હતા. ત્યારે રામજી લખુભાઈ ભાંભરિયા, પ્રવિણ નવઘણભાઈ ભાંભરિયા, અશ્વિન શામજીભાઈ ભાંભરિયા, ગડો ઉર્ફે રાકેશ માનસીંગભાઈ જતાપરા, રણછોડ અંબારામભાઈ વાટિયા, અરવિંદ ગણેશભાઈ બગોદરિયા અને કિશન કોળીએ જીઆરડી અલ્પેશ કઠેચિયાએ બાતમી આપીને જુગારનો દરોડો પડાવ્યો હોવાની શંકા રાખીને ઝઘડો શરૂૂ કરી દીધો હતો. સાતેય શખસે અલ્પેશને મારમારી ભાગી જતાં ઈજાગ્રસ્ત જીઆરડી જવાનને સારવાર અર્થે ખસેડાયા બાદ અલ્પેશ કઠેચિયાએ સાતેય હુમલાખોર સામે પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.