વંથલી પાલિકાના પૂર્વ પ્રમુખ ઉપર હુમલો
વંથલીમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સિરાજ વાજા પર તેમના ઘરની બહાર હુમલો થયો છે. સાંજના સમયે વાડીએ જવાની તૈયારીમાં હતા ત્યારે તેમના ઘરની સામે રહેતા પરિવાર અને બે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાના તેઓએ આક્ષેપ કર્યાં છે. તેમજ વંથલી શહેર ભાજપ પ્રમુખે સમગ્ર કાવતરૂ ઘડયાનો આક્ષેપ કરતાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. જો કે શહેર ભાજપ પ્રમુખ દિવ્યેશ જેઠવાએ આક્ષેપોનું ખંડન કર્યું છે.
હુમલાખોરોએ તલવાર, કુહાડી, લોખંડના પાઇપ અને તમંચાનો ઉપયોગ કર્યો હતો. હુમલામાં સિરાજ વાજાને શરીરના અનેક ભાગે ઈજાઓ થઈ હતી. તેમને પ્રથમ વંથલીની હોસ્પિટલમાં અને પછી વધુ સારવાર માટે જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સિરાજ વાજાએ આક્ષેપ સાથે જણાવ્યું કે, વંથલી શહેર ભાજપના પ્રમુખ દિવ્યેશ જેઠવાએ આ હુમલાનું કાવતરું રચ્યું છે. તેમણે જણાવ્યું કે, હુમલાના ઈઈઝટ ફૂટેજ પણ ઉપલબ્ધ છે. વાજાએ પોતાના જીવને જો કોઈ જોખમ થાય તો તેના માટે દિવ્યેશ જેઠવાને જવાબદાર ગણાવ્યા છે. તેમણે જેઠવાની ધરપકડ અને કાયદેસરની કાર્યવાહીની માગ કરી છે.
તો બીજી તરફ આ ઘટના મામલે વંથલી શહેર ભાજપ પ્રમુખ દિવ્યેશ જેઠવા સાથે વાત કરતા તેઓએ આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યાં હતા અને કહ્યું હતું કે, મને આ હુમલાને લઈ કોઈ જાણ નથી. તમે અત્યારે કહો છો ત્યારે ખ્યાલ આવ્યો કે આવો કોઈ હુમલો થયો છે.