કાલાવાડના નપાણિયા ખીજડિયા ગામે પરિવાર ઉપર હુમલો
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાપાણિયા ખીજડીયા ગામમાં રહેતા એક દંપત્તિ અને તેના પુત્ર ઉપર જુની અદાવત નું મનદુ:ખ રાખીને છ જેટલા શખ્સોએ ઘરમાં આવી હંગામો મચાવ્યો હતો, અને લોખંડના પાઇપ-ધોકા વડે હુમલો કરી ત્રણેયને ઘાયલ કરી દીધાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના નપાણિયા ખીજડિયા ગામમાં રહેતા અને અભ્યાસ કરતા અક્ષય દેવજીભાઈ પરમાર નામના 24 વર્ષના વિદ્યાર્થી યુવાને પોતાના ઉપર તેમજ પોતાના પિતા દેવજીભાઈ પરમાર તેમજ માતા પુરી બેન ઉપર લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પાડોશમાં રહેતા જીગ્નેશ ઉર્ફે જતીન હીરાભાઈ પરમાર, વિપુલ આલજીભાઈ પરમાર, દિપક આલજીભાઈ પરમાર, ધાર્મિક પ્રવીણભાઈ પરમાર, પ્રવીણ પ્રેમજીભાઈ પરમાર અને ઈશ્વર પ્રેમજીભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ના પિતા દેવજીભાઈ પરમાર અને આરોપી જીગ્નેશ સાથે અગાઉ તકરાર થઈ હતી, જેનું મન દુ:ખ રાખીને ઉપરોક્ત તમામ આરોપીઓ ધોકા પાઇપ જેવા હથિયારો સાથે ફરિયાદીના ઘરે ધસી આવ્યા હતા, અને ત્રણેય ઉપર હુમલો કરી દીધા નું પોલીસમાં જાહેર થયું છે. જેમાં દેવજીભાઈ ને માથામાં ગંભીર ઇજા થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યારે માતા પુરી બેનને પણ ફેક્ચર સહિતની ઈજા થઈ હોવાથી સારવાર લેવી પડી છે.