ATSએ ઝડપેલા આતંકી ડો.અહમદ સૈયદના હૈદરાબાદ નિવાસસ્થાનેથી ઝેરી કેમિકલનો જથ્થો મળ્યો
ગાંધીનગર નજીકથી ગુજરાત એટીએસએ ત્રણ આતંકીઓને ઝડપી પાડ્યા બાદ તેના ખતરનાક ઈરાદાઓનો ખુલાસો થયો હતો. ડો. અહેમદ સૈયદ નામનો હૈદ્રાબાદનો આતંકી સાઈનાઈડ કરતા ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો. ત્યારે ગુજરાત અઝજની એક ટીમ હૈદરાબાદ તેના નિવાસસ્થાને પહોંચી હતી. જ્યાંથી ખતરનાક ઝેરી કેમિકલ બનાવવાના રો મટીરીયલ્સનો જથ્થો મળી આવ્યો છે. જે એટીએસ દ્વારા સીઝ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાત એટીએસ દ્વારા ગાંધીનગરના અડાલજ પાસેથી ઝડપાયેલા ત્રણ આતંકવાદીઓની તપાસ માટે ગુજરાત એટીએસની કચેરી ખાતે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન એટીએસની ટીમો પણ આવી પહોંચી છે. પકડાયેલા ત્રણેય આતંકવાદીઓ, જેઓ કટ્ટરવાદી વિચારધારાથી પ્રેરાયેલા હતા અને વારંવાર કાશ્મીરની મુલાકાતે ગયા હતા, તેમના અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. ડો. મોહિયુદ્દીને દિલ્હીના આઝાદ મૈદાન અને નરોડા ફ્રુટ બજારની મુલાકાત લીધી હોવાથી, કાશ્મીરી સફરજનની આડમાં દેશભરમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ મોકલવાની હતી કે કેમ, તે અંગે તપાસ ચાલી રહી છે.
એટીએસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, ત્રણેય આતંકી જે વિસ્તારમાં રહેતા હતા તે વિસ્તારમાં કટરવાદીઓનો પ્રભાવ હતો. હૈદરાબાદમાં આતંકી ડોક્ટર અહેમદ સૈયદે કટ્ટરવાદી વિચારધારા વાળા સભ્યોને પોતાની ટીમ બનાવવા માટે ત્રણ યુવાનો પાસે શપથ પણ લેવડાવ્યા હતા. અહેમદ સૈયદ પોતાની એક મોટી ટીમ બનાવવાની ફિરાકમાં હતો. ત્રણેય આતંકીઓની મોબાઇલ ડેટાની રિકવરી કરવામાં આવી રહી છે. મોબાઈલ ડેટા રીકવર થયા બાદ અનેક રહસ્ય પણ બહાર આવી શકે છે.
એટીએસની ટીમ દ્વારા ત્રણેય આતંકીઓને અડાલજ અને છત્રાલ પાસે લઈ જઈને તપાસ કરવામાં આવી હતી. આતંકી આઝાદ અને સોહેલને કલોલના છત્રાલ પાસે લઈ જઈને પંચનામું કરવામાં આવ્યું હતું. જ્યારે અહેમદ સૈયદને અડાલજ પાસે લઈ જઈને તપાસ કરવામાં આવી હતી. ગુજરાત એટીએસની ટીમ હવે દિલ્હી જઈને આતંકીઓની સંડોવણી અંગે વધુ તપાસ કરશે.