પંજાબમાં ગ્રેનેડ હુમલાની યોજનામાં સંડોવાયેલ આંતકવાદીને હાલોલથી ઝડપી લેતી એટીએસ
આઇએસઆઇના હેન્ડલર સાથે સંપર્ક ધરાવતો બટાલાનો શખ્સ કારખાનામાં મજૂર બની છૂપાયો હતો
ગુજરાત એટીએસની ટીમે રાષ્ટ્રીય સુરક્ષાના સંદર્ભમાં એક મોટી સફળતા હાંસલ કરી છે. એટીએસની ટીમે પંજાબ રાજ્યમાં હથિયારો અને ગ્રેનેડની ગેરકાયદેસર હેરાફેરીના ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપી ગુરપ્રીત સિંઘની હાલોલથી ધરપકડ ધરપકડ કરવામાં આવી છે. ગુરપ્રીત સિંઘ સામે આતંકવાદીઓને મદદ કરવા અંગેની ફરિયાદ નોંધાઈ હતી.
પંજાબના ગુરદાસપુર જીલ્લાના બટાલા પોલીસ મથકમાં ગ્રેનેડની હેરાફેરી અને વિસ્ફોટ કરવાની સાથે સીમાપાર કાર્યરત આતંકવાદી નેટવર્કની મદદ કરવા સબબ ગુનો નોંધવામાં આવેલ.
જે ગુનાના મુખ્ય આરોપીઓ મનુ અગવાન અને મનિન્દર બિલા જેઓ હાલ મલેશિયા સ્થિત છે તેઓ દ્વારા પાકિસ્તાનની આઈ.એસ.આઈ.ના હેન્ડલરો સાથે મળી ભારતનાં પંજાબમાં ઓપરેટિવ્સ તૈયાર કરી ગ્રેનેડ અને પિસ્ટલ મેળવી પંજાબ તથા અન્ય રાજ્યોમાં દહેશત ફેલાવવા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ગ્રેનેડ હુમલા અને ફાયરિંગ કરવાનું કાવતરું ઘડેલ હોવાનું જાણવા મળેલ છે. જે માટે આરોપીઓ દ્વારા બે ગ્રેનેડ અને બે પિસ્ટલની પિકઅપ અને ડિલિવરી માહિતીની આપ-લે પણ થયેલ હોવાનું જણાયેલ છે.આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પંથબિરસિંઘ અને જસકિરતસિંઘની પંજાબ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલ. આ પકડાયેલ આરોપીઓની પૂછપરછ દરમ્યાન તેમને ગુનામાં સામેલ અન્ય આરોપી બટાલાના ગુરપ્રિતસિંઘ ઉર્ફે ગોપી બિલાનું નામ ખુલ્યું હતું.
જે ગુનામાં રપ્રિતસિંઘ ઉર્ફે ગોપી બિલાની વોન્ટેડ હતો જે માહિતી પંજાબ પોલીસ દ્વારા ગુજરાત એ.ટી.એસ.ના અધિકારીઓને આપવામાં આવી હતી. જે બાતમીને આધારે એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય દ્વારા તપાસ ગુરપ્રિતસિંઘ ઉર્ફે ગોપી બિલા ગુજરાતમાં હાલોલ ખાતે આવેલ એક કંપનીમાં ઔધોગિક મજુર તરીકે કામ કરી ગુજરાતમાં છુપાયો હોવાનું જાણવા મળ્યું હરું. ગુજરાત એ.ટી.એસ.ના પી.આઈ એન. આર. બ્રહ્મભટ્ટ, પીએસઆઈ વાય.જી. ગુર્જર, પીએસઆઈ એમ.એન. પટેલ તથા એ.ટી.એસ.ના સ્ટાફની ટીમ હાલોલ જવા રવાના કરવામાં આવેલ. જ્યા એક હોટલમાંથી ગુરપ્રિતસિંઘને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પ્રાથમીક પૂછપરછમાં તેણે મનુ અગવાન અને મનિન્દર બિલા સાથે મળી પંજાબમાં દહેશત ફેલાવવા ગ્રેનેડ હુમલા કરવાના કાવતરામાં સંડોવાયેલ હોવાની કબુલાત કરેલ છે. તેને પંજાબ પોલીસને સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.