નિવૃત્ત આર્મીમેનને APK ફાઇલ મોકલી ગઠિયાએ 10 લાખ ઉપાડી લીધા, સાયબર પોલીસે 5.82 લાખ ફ્રિજ કર્યા
રાજકોટના નિવૃત્ત ફૌજીએ એક ભૂલથી રૂૂ.10 લાખ ગુમાવ્યાં હતાં.બેંકના ગ્રુપમાં આ મોબાઈલ નંબર ફ્રોડ છે તેવો મેસેજ આવ્યો હતો. એપીકે ફાઇલ મોકલી સાયબર માફિયાઓએ રૂૂપીયા ટ્રાન્સફર કરી લીધાં હતાં. ત્યારબાદ સાયબર ક્રાઇમની ટીમે તુરંત રૂૂ.5.82 લાખ ફ્રિજ કરાવી રાજકોટના એક ગઠિયાને દબોચી લીધો હતો. રૈયા ગામમાં શાંતિ નગર મેઈન રોડ પર ડ્રિમ સીટી ફ્લેટમાં રહેતાં સુધીરભાઈ ગીરીશકુમાર મોનાણી (ઉવ.37) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અલગ અલગ બેંક એકાઉન્ટ ધારક અને મોબાઇલ ધારકનું નામ આપતાં સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ નાના મવા સર્કલ પાસે આવેલ એસ.કુમાર એડીબલ ઓઇલમાં લોજીસ્ટીક મેનેજર તરીકે જોબ કરે છે.
પરીવારમાં 68 વર્ષીય પિતા ગીરીશકુમાર રામજીભાઈ મોનાણી જે આર્મીમા ફરજ બજાવી રીટાયર્ડ થયા બાદ પંજાબ નેશનલ બેંકમાં ઓફીસર તરીકે જોબ કરેલ અને તે બાદ વર્ષ 2018 માં ત્યાથી રીટાયર્ડ થયેલ હતાં. તેમના બેંક કર્મચારીઓનુ એક વોટ્સએપ ગ્રુપ છે જે ગ્રુપમાં એક યુજર દ્રારા એક પોસ્ટ શેર કરવામાં આવેલ હતી. જે પોસ્ટમાં એક મોબાઇલ નંબર બતાવેલ અને તેની સાથે પોસ્ટ લખી હતી કે,આ એક ફ્રોડ નંબર છે.જે પંજાબ નેશનલ બેંકના નામે લોકો સાથે ફ્રોડ કરે છે.જેથી આ મોબાઇલ નંબરથી સાવધાન રહેવુ જોઈએ.
પિતાની ઉંમર હાલ 68 વર્ષની હોવાથી હાલ તેઓને આંખથી જોવામાં તથા વાચવામાં તકલીફ રહેતી હોય જેથી તેઓને આ મેસેજ વાંચતી વખતે તે સમજવામાં ભુલ કરેલ અને તેઓ ભુલથી આ ફ્રોડ મોબાઇલ નંબરને પંજાબ નેશનલ બેંકનો ઓફિસિયલ મોબાઇલ નંબર સમજી લીધેલ હતો. કેન્દ્ર સરકારના પેન્સન ધારકોને દર વર્ષે નવેમ્બર માસમાં હયાતીનો દાખલો આપવાનો હોય છે.જે ચાલુ વર્ષનો દાખલો અમારા પિતાને તેઓની પંજાબ બેંકની બ્રાન્ચ પર આપવાનો બાકી હતો.જેથી તેઓએ કોન્ટેક કરેલ જેમાં વાતચીત બાદ સામાવાળાએ પિતાને એક એપ્લીકેશનની લીંક મોકલેલ તેમજ પિતાએ તે વ્હોઅપ નંબર પર એટીએમના ફોટોસ આપેલ તથા તે લીંક વડે તે એપ્લીકેશન ડાઉનલોડ કરેલ હતી.
જે ડાઉનલોડ કર્યા બાદ પિતાનો મોબાઇલ ફોન હેક થયેલ ગયેલ અને તેમના બેંક ખાતામાંથી રૂૂ.10 લાખના ટ્રાન્ઝેક્શન તેમની જાણ બહાર થઇ ગયેલ જેથી પિતા-પુત્ર બેંક બ્રાન્ચ પર જઈ તપાસ કરતા પિતાના પૈસા અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલ હતાં. જે મામલે ઓનલાઈન અરજી કર્યા બાદ સાયબર ક્રાઇમ પીઆઈ પી.ડોબરીયા અને ટીમે તુરંત જ રૂૂ.5.82 લાખ ફ્રોડ એકાઉન્ટમાં ફ્રિજ કરાવી રાજકોટના એકાઉન્ટ ધારક શખ્સની ધરપકડ કરી રૂૂ.5.82 લાખ અરજદારને પરત કરાવ્યાં હતાં.જ્યારે હજું ત્રણ શખ્સો હાથવેંતમાં હોવાનું સામે આવ્યું છે.